<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

લેન્‍ડ ફોર જોબ સ્‍કેમ મામલે લાલુ પરીવારને મોટો ઝટકો :તેજસ્‍વી સહિત આરોપીને કોર્ટનું સમન્‍સ

તમામ આરોપીઓને ૧૧ માર્ચે હાજર રહેવાનો આદેશ આપ્‍યો

નવી દિલ્‍હી, તા.૨૫: લાલુ યાદવને લેન્‍ડ ફોર જોબ કેસમાં દિલ્‍હીની રાઉઝ એવન્‍યુ કોર્ટમાંથી ઝટકો લાગ્‍યો છે. રાઉઝ એવન્‍યુ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, તેજસ્‍વી અને અન્‍ય આરોપીઓને સમન્‍સ પાઠવ્‍યા છે. તમામ નામાંકિત આરોપીઓને ૧૧ માર્ચે હાજર થવાનો આદેશ આપવામાં આવ્‍યો છે. સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ ઇન્‍વેસ્‍ટિગેશન દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટની નોંધ લીધા પછી, સ્‍પેશિયલ CBI જજ વિશાલ ગોગણેએ આ આદેશ આપ્‍યો.

CBIએ આ કેસમાં ૩૦ સરકારી કર્મચારીઓ સહિત કુલ ૭૮ લોકોના નામ જાહેર કર્યા છે. આમાં ભોલા યાદવ, પ્રેમચંદ ગુપ્‍તાને સમન્‍સ પાઠવવામાં આવ્‍યા છે. કોર્ટે કહ્‍યું કે એવો આરોપ છે કે પ્રેમચંદ ગુપ્‍તા લાલુ યાદવના સહયોગી તરીકે કામ કરતા હતા.

આ મામલો પશ્‍ચિમ મધ્‍ય રેલ્‍વેના જબલપુર ઝોનમાં ૨૦૦૪ અને ૨૦૦૯ ની વચ્‍ચે ગ્રુપ-ડી પોસ્‍ટ્‍સ પર કરવામાં આવેલી નિમણૂકો સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે જ્‍યારે લાલુ પ્રસાદ યાદવ રેલ્‍વે મંત્રી હતા, ત્‍યારે ઉમેદવારો પાસેથી તેમના પરિવાર અથવા સહયોગીઓના નામે જમીન ટ્રાન્‍સફર કરાવવામાં આવતી હતી અને બદલામાં તેમને રેલ્‍વેમાં નોકરી આપવામાં આવતી હતી.

CBIએ ૧૮ મે, ૨૦૨૨ના રોજ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્‍ની, બે પુત્રીઓ, અજાણ્‍યા સરકારી અધિકારીઓ અને કેટલાક ખાનગી વ્‍યક્‍તિઓ વિરુદ્ધ કેસ નોંધ્‍યો હતો. અત્‍યાર સુધીમાં, આ કેસમાં ૩૦ આરોપીઓ સામે કાર્યવાહીની મંજૂરી મળી ગઈ છે.(૨૩.૧૮)

(3:40 PM IST)