<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th February 2025

જેલમાંથી મહાઠગ સુકેશ ચંદ્રશેખરે એલન મસ્કને પત્ર લખ્યો:Xમાં 2 બિલિયન ડૉલર રોકવાની ઑફર આપી

તિહાર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર અગાઉ જેકલિન ફર્નાન્ડીઝ, અરવિંદ કેજરીવાલ અને ચંદ્રબાબુ નાયડુ જેવી હસ્તિઓને પણ લખી ચૂક્યો છે પત્ર

નવી દિલ્હી : દિલ્હીની તિહાર જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે (Sukesh Chandrashekhar) અમેરિકી ઉદ્યોગપતિ એલન મસ્ક (Elon Musk)ની કંપની Xમાં 2 બિલિયન ડૉલર અર્થાત 1,74,38,74,26,000 રૂપિયાનું રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હકીકતમાં જેલમાં રહીને સુકેશ ચંદ્રશેખરે એલન મસ્કને પત્ર લખીને રોકાણ કરવાની ઑફર આપી છે.

સુકેશ ચંદ્રશેખર દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવ્યા મુજબ, આજે હું ગર્વ અનુભવવા સાથે જણાવું છું કે, એલન મસ્ક હું આપની કંપની Xમાં તાત્કાલિક 1 બિલિયન અને આગામી વર્ષે બીજા 1 બિલિયન અમેરિકન ડોલર રોકાણ કરવા માટે તૈયાર છું. આ રીતે હું તમારી કંપનીમાં 2 બિલિયન USD ઈન્વેસ્ટ કરવાની ઈચ્છા ધરાવું છે. આ સાથે જ સુકેશે ભારપૂર્વક જણાવ્યું છે કે, જો મારી રોકાણની ઑફરને સ્વીકારી લેવામાં આવશે, તો એક ભારતીય તરીકે મને ગર્વ થશે.

તિહાર જેલમાંથી લખેલા પત્રમાં સુકેશ ચંદ્રશેખરે એલન મસ્કને My Man તરીકે સંબોધીને અમેરિકન સરકારના નવા વિભાગ DOGEમાં તેની અધ્યક્ષતા માટે શુભેચ્છા પાઠવી છે. આ ઉપરાંત સુકેશ ચંદ્રશેખરે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના મોટા ભાઈ ગણાવ્યા છે.

પોતાના પત્રમાં સુકેશ ચંદ્રશેખરે લખ્યું છે કે, એલન આપ એકમાત્ર એવા વ્યક્તિ છો, જેને હું મારા આદર્શ માનું છું. ટેકમેન…બુલેટપ્રુફ…એક બિઝનેસમેન તરીકે તમે જે સામ્રાજ્ય ઉભું કર્યું છે, તે ખરેખર અદ્દભૂત છે. તેનો ભાગ બનવું મારા માટે પણ મોટી વાત હશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, જેલના સળિયા પાછળ રહીને સુકેશ ચંદ્રશેખર ભૂતકાળમાં પણ બૉલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડીઝ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સહિત અનેક હસ્તિઓને પત્ર લખી ચૂક્યો છે. આ મહિનાની શરૂઆતમાં જ સુકેશ ચંદ્રશેખરે OpenAIના CEOને પણ રોકાણ માટે ઑફર આપી હતી.

(12:12 AM IST)