<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવાની નજીક:અમેરિકા ઇચ્છે તો પણ તેને રોકી શકશે નહીં : રિપોર્ટમાં મોટા ખુલાસા

ઈરાન પાસે 60 ટકા સુધી 274.8 કિલોગ્રામ યુરેનિયમ સમૃદ્ધ હોવાનો અંદાજ: ઓગસ્ટમાં તે માત્ર ૧૬૪.૭ કિલો હતું

વિયેના. ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવાની નજીક પહોંચી રહ્યું છે. તેણે શસ્ત્રો-ગ્રેડ સ્તરની નજીક સમૃદ્ધ યુરેનિયમનું ઉત્પાદન વધાર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી બાદ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ ઘટનાક્રમ સામે આવ્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ દેખરેખ એજન્સીના તાજેતરના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. વિયેના સ્થિત ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ના અહેવાલ મુજબ, 8 ફેબ્રુઆરી સુધીમાં, ઇરાન પાસે 60 ટકા સુધી 274.8 કિલોગ્રામ યુરેનિયમ સમૃદ્ધ હોવાનો અંદાજ હતો.

આ જથ્થો ગયા નવેમ્બર કરતા ૯૨.૫ કિલો વધુ છે. IAEA ના નવેમ્બરના અહેવાલમાં 60 ટકા સુધી સમૃદ્ધ 182.3 કિલોગ્રામ યુરેનિયમની હાજરીનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. જ્યારે ઓગસ્ટમાં તે ૧૬૪.૭ કિલો હતું.

60 ટકા સુધી સમૃદ્ધ યુરેનિયમને તકનીકી રીતે શસ્ત્રો-ગ્રેડ ગણવામાં આવે છે, જે પરમાણુ શસ્ત્રો બનાવવા માટે વપરાતા 90 ટકા સમૃદ્ધ યુરેનિયમથી માત્ર એક ડગલું દૂર છે.

IAEA રિપોર્ટ કહે છે કે, 'ઈરાનના ઉત્પાદન અને અત્યંત સમૃદ્ધ યુરેનિયમના સંચયમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.' આટલી પરમાણુ સામગ્રીનું ઉત્પાદન કરનાર તે એકમાત્ર બિન-પરમાણુ શસ્ત્ર ધરાવતો દેશ છે. આ ગંભીર ચિંતાનો વિષય છે.

IAEA મુજબ, જો 60 ટકા સુધી સંવર્ધિત 42 કિલોગ્રામ યુરેનિયમને 90 ટકા સુધી વધુ સંવર્ધિત કરવામાં આવે, તો તે એક અણુ બોમ્બ બનાવવા માટે પૂરતું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું છે કે ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવવાથી અટકાવવા જોઈએ.

(12:17 AM IST)