<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

બિટકોઇન - ક્રિપ્‍ટોનાં નામે ૬૬૦૦ કરોડનું કૌભાંડ

CBIએ દેશમાં ૬૦ જગ્‍યાએ પાડયા દરોડા : ૫૦૦૦ ગુજરાતીઓ ફસાયા

નવી દિલ્‍હી, તા.૨૭: ક્રિપ્‍ટોકરન્‍સી છેતરપિંડી સંબંધિત કેસોમાં CBI એ દેશભરમાં ૬૦ સ્‍થળોએ દરોડા પાડયા. કેન્‍દ્રીય એજન્‍સીએ મંગળવારે ૬૬૦૦ કરોડ રૂપિયાના ‘ગેનબિટકોઈન ક્રિપ્‍ટોકરન્‍સી' કૌભાંડના સંદર્ભમાં રાજધાની દિલ્‍હી, જયપુર અને મુંબઈમાં અનેક સ્‍થળોએ આ દરોડા પાડયા હતા. ક્રિપ્‍ટોકરન્‍સીમાં આ કૌભાંડ નકલી વેબસાઇટ્‍સ અને ઓનલાઈન છેતરપિંડી દ્વારા કરવામાં આવ્‍યું હતું. CBIએ ૬૬૦૬ કરોડ રૂપિયાના ગેઈન બિટકોઈન કૌભાંડની તપાસ હેઠળ સમગ્ર દેશમાં દરોડા પાડી ૨૩.૯૪ કરોડ રૂપિયાની ક્રિપ્‍ટો કરન્‍સી જપ્‍ત કરી છે. બે દિવસમાં દિલ્‍હી, મુંબઈ, પૂણે, બેંગાલુરુ, ચંડીગઢ, નાંદેડ, કોલ્‍હાપુર, મોહાલી, ઝાંસી, હુબલી અને અન્‍ય શહેરોમાં ૬૦થી વધુ સ્‍થળોએ દરોડા પાડવામાં આવ્‍યા હતાં.

એક નિવેદનમાં, સીબીઆઈના પ્રવક્‍તાએ જણાવ્‍યું હતું કે દિલ્‍હી એનસીઆર, પુણે, ચંદીગઢ, નાંદેડ, કોલ્‍હાપુર અને બેંગલુરુ સહિત અનેક શહેરોમાં દરોડા પાડવામાં આવ્‍યા હતા, જેમાં મુખ્‍ય આરોપીઓ સાથે જોડાયેલા કેમ્‍પસને નિશાન બનાવવામાં આવ્‍યા હતા.સૂત્રોના જણાવ્‍યાનુસાર, આ કૌભાંડમાં ગુજરાતના અંદાજે ૫૦૦૦ રોકાણકારોના નામ બહાર આવ્‍યા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્‍યું છે તેથી બીજા નામો પણ બહાર આવવાની શક્‍યતા છે. આ અગાઉ પણ બિનાન્‍સ સહિતના ક્રિપ્‍ટો કરન્‍સી કૌભાંડમાં ગુજરાતના રોકાણકારોના નામ બહાર આવ્‍યા હતાં. ગુજરાત સહિત દેશભરમાં યંગસ્‍ટર્સ ક્રિપ્‍ટો કરન્‍સીમાં વધારે રોકાણ કરી રહ્‍યાં છે.

સીબીઆઈએ ગેઈન બિટકોઈન સ્‍કેમમાં સંડોવાયેલા ગુજરાતીઓ પૈકી કેટલાકની પૂછપરછ પણ કરી હોવાનું કહેવાય છે. તેમણે કરેલા નાણાકીય વ્‍યવહારોની માહિતી ઈમેઈલ મારફત એજન્‍સીએ મેળવી છે. ગેઈન બિટકોઈન સ્‍કીમ ૨૦૧૫માં અમિત ભારદ્વાજ દ્વારા લોન્‍ચ કરવામાં આવી હતી અને રોકાણકારોને ૧૮ મહિના સુધી દર મહિને ૧૦ ટકા રિટર્નની લાલચ આપવામાં આવી હતી.

મલ્‍ટી લેવલ માર્કેટિંગ સ્‍ટ્રકચર તરીકે આ સ્‍કીમ શરૂ કરીને કમિશનની લાલચ આપીને શરૂઆતમાં બિટકોઈનમાં માધ્‍યમથી પેમેન્‍ટ કરવામાં આવ્‍યા. ૨૦૧૭સુધીમાં આ સ્‍કીમ જ્‍યારે પડી ભાંગી ત્‍યારે પેમેન્‍ટ બિટકોઇનના બદલે પેમેન્‍ટ હાઉસ ક્રિપ્‍ટોકરન્‍સી અને એમકેપમાં કરવામાં આવ્‍યું. જેની કિંમત બિટકોઈનની સરખામણીએ ઓછી હતી.

અધિકારીઓએ જણાવ્‍યું હતું કે પોન્‍ઝી કૌભાંડ અનેક પ્‍લેટફોર્મ દ્વારા હાથ ધરવામાં આવ્‍યું હતું, જેમાં પ્રખ્‍યાત વેબસાઇટ 'WWW.GAINBITCOIN.COM'નો સમાવેશ થાય છે, અને સમગ્ર કાવતરું કથિત રીતે અમિત ભારદ્વાજ (હવે મૃતક) અને તેમના ભાઈ અજય ભારદ્વાજે ઘડયું હતું. તેમણે કહ્‍યું કે ૨૦૧૫ માં શરૂ થયેલો આ ગેરકાયદેસર ધંધો ‘વેરિયેબલટેક પ્રાઇવેટ લિમિટેડ' ના નામે ચાલી રહ્‍યો હતો.

સીબીઆઈએ જણાવ્‍યું હતું કે આ યોજના હેઠળ, રોકાણકારોને ૧૮ મહિનાના સમયગાળા દરમિયાન બિટકોઈન પર દર મહિને ૧૦ ટકાના અસાધારણ વળતરના વચન સાથે લલચાવવામાં આવ્‍યા હતા અને તેમને ઓફશોર એક્‍સચેન્‍જોમાંથી ડિજિટલ ચલણ ખરીદવા અને ‘ક્‍લાઉડ માઇનિંગ' કોન્‍ટ્રાક્‍ટ દ્વારા ‘ગેઇન બિટકોઈન'માં જમા કરાવવાનું કહેવામાં આવ્‍યું હતું.

પ્રવક્‍તાએ જણાવ્‍યું હતું કે, આ મોડેલ મલ્‍ટી-લેવલ માર્કેટિંગ (નેટવર્કિંગ માર્કેટિંગ –MLM) માળખા પર કામ કરે છે, જે સામાન્‍ય રીતે પિરામિડ સ્‍ટ્રક્‍ચર્ડ પોન્‍ઝી યોજનાઓ સાથે સંકળાયેલું છે, જ્‍યાં ચુકવણી નવા રોકાણકારો લાવવા પર આધારિત છે.

રોકાણકારો કેવી રીતે ફસાઈ ગયા?

શરૂઆતના દિવસોમાં, રોકાણકારોને ‘બિટકોઈન'માં ચૂકવણી કરવામાં આવતી હતી, જેના કારણે એવું લાગતું હતું કે તે એક નફાકારક સાહસ છે. જોકે, ૨૦૧૭ સુધીમાં આ ભ્રમ તૂટી પડવા લાગ્‍યો કારણ કે નવા મૂડી પ્રવાહ ધીમો પડી ગયો. નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે, ‘‘નુકસાનને છુપાવવાના પ્રયાસમાં, ‘ગેનબિટકોઇન' એ એકપક્ષીય રીતે ચુકવણીને તેના કથિત ઇન-હાઉસ ક્રિપ્‍ટોકરન્‍સીમાં રૂપાંતરિત કરી, જે બિટકોઇન કરતા નોંધપાત્ર રીતે ઓછી કિંમતની હતી, જેનાથી રોકાણકારો વધુ મૂંઝવણમાં મુકાયા.''

આ કારણોસર તપાસ સીબીઆઈને સોંપવામાં

આવી હતી

આ મોટા કૌભાંડને કારણે, આ કંપની વિરુદ્ધ જમ્‍મુ અને કાશ્‍મીરથી મહારાષ્ટ્ર અને દિલ્‍હીથી પશ્‍ચિમ બંગાળ સુધી ભારતભરમાં અનેક FIR દાખલ કરવામાં આવી હતી. આ (ગેરકાયદેસર વ્‍યવસાય) કામગીરીની પ્રકળતિ અને તેની આંતરરાષ્ટ્રીય અસરને ધ્‍યાનમાં લેતા, સુપ્રીમ કોર્ટે તપાસ સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ ઇન્‍વેસ્‍ટિગેશન (CBI) ને સોંપી.

કંપની વિરુદ્ધ ઘણા ગુનાહિત પુરાવા છે. તપાસ એજન્‍સીએ કહ્‍યું, તલાશી દરમિયાન, કેટલાક ક્રિપ્‍ટો વોલેટ્‍સ, વાંધાજનક ડિજિટલ પુરાવા અને ડિજિટલ ઉપકરણો જપ્‍ત કરવામાં આવ્‍યા છે. ઈમેલ/ક્‍લાઉડમાં હાજર પુરાવા પણ જપ્‍ત કરવામાં આવ્‍યા છે.(૨૩.૨૦)

 

વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ તાજેતરમાં જ એક રિપોર્ટ જારી કરીને બાળકોને સ્‍ક્રીનથી દૂર રાખવાની ચેતવણી આપી

ટીવી કે ફોન જોતાં જોતાં જમવાની ટેવથી શરીરમાં થાય છે ૧૩ નુકસાન

લંડન, તા.૨૭: આજકાલ, વ્‍યસ્‍ત જીવન અને કામકાજ વચ્‍ચે, માતા-પિતા પાસે પૂરતો સમય નથી કે તેઓ તેમના બાળકોને જમાડવા માટે કલાકો વિતાવે. આવી પરિસ્‍થિતિઓમાં માતા-પિતા સમય બચાવવા માટે ઈલેક્‍ટ્રોનિક ગેજેટ્‍સનો સહારો લે છે. બાળકો મોબાઈલ ફોન જોતા જોતા ઝડપથી જમી લેતા હોય છે. તેમજ માતા-પિતા પણ આ વાતને બેફિકરાઈથી લેતા હોય છે કે ચાલો ટીવી કે મોબાઈલ જોતા જોતા પણ બાળક જામી તો લે છે. પરંતુ બાળકને જમાડવાનો આ ઈલાજ બાળકના સ્‍વાસ્‍થ્‍ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

એન્‍વાયર્નમેન્‍ટલ જર્નલ ઓફ હેલ્‍થ નામના મેગેઝિનમાં બાળકોની જમવાની આદતો પર એક રિસર્ચ છપાયું છે. એવું જાણવા મળ્‍યું છે કે જે બાળકો ટીવી અથવા મોબાઈલ જોતા જોતા જમે છે, તેઓ પછીથી જમવાને લઈએ ખૂબ જ નખરા કરતા હોય છે. તેમજ આવા બાળકોને નાની નાની વાતોમાં જલ્‍દી ગુસ્‍સો આવી જતો હોય છે. ટીવી અને મોબાઈલ જોતા જોતા જમતા ૧૦ વર્ષ સુધીના બાળકોમાં સ્‍થૂળતાનો ખતરો અનેકગણો વધી જાય છે અને તેઓ સ્‍થૂળતાનો શિકાર બને છે જે અનેક રોગોને જન્‍મ આપી શકે છે.

વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન એ તાજેતરમાં જ એક રિપોર્ટ જારી કરીને બાળકોને સ્‍ક્રીનથી દૂર રાખવાની ચેતવણી આપી છે. આ રિપોર્ટમાં ૫ વર્ષથી નીચેના બાળકોનો સ્‍ક્રીન ટાઈમ નક્કી કરવામાં આવ્‍યો છે. આ બાળકોનો વધુ પડતો સ્‍ક્રીન ટાઈમ શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય પર સીધી અસર કરે છે. આ રિપોર્ટમાં WHOએ બાળકોને મોબાઈલ, ટીવી કે અન્‍ય ઈલેક્‍ટ્રોનિક ગેજેટ્‍સથી દૂર રહેવાની સૂચના આપી છે.

જમતી વખતે ટીવી જોવાના ગેરફાયદાઃ

- જમતી વખતે ટીવી જોવાથી પાચનશક્‍તિ ધીમી પડી જાય છે, જેના કારણે શરીરમાં ચરબી જમા થવા લાગે છે.

- ટીવી જોતા જોતા જમવાથી, સંપૂર્ણ ધ્‍યાન ટીવી અથવા ફોન પર હોય છે, જેના કારણે બાળકો ઓવરઇટીંગ કરી લે છે.

- મોટા ભાગના બાળકો જ્‍યારે ટીવી અને ફોન જુએ છે ત્‍યારે જંક ફૂડ ખાવાનું પસંદ કરે છે.

- બાળકો ટીવી કે મોબાઈલ જોતા ડિનર કે લંચ કરીને ખૂબ જ ઝડપથી મેદસ્‍વી થઈ જાય છે.

- ટીવી અથવા ફોન જોતા જોતા બાળકને જમાડવાથી પોષણની ઉણપ થઈ શકે છે. તેઓ જરૂરી પોષક તત્‍વો મેળવી શકતા નથી.

- તેમજ બાળકમાં તણાવ અને ચિંતા વધી શકે છે.

- જે બાળકો ટીવી કે ફોન જોતા ખોરાક લે છે તે સામાજિક રીતે નબળા પડી શકે છે. તેમની કુશળતામાં ઘટાડો થઈ શકે છે.

- આ સિવાય આંખોમાં પાણી આવવું, દ્રષ્ટિ નબળી પડી જવી અથવા શુષ્‍કતા આવવાની સમસ્‍યા થાય છે.

- મોબાઈલ જોતી વખતે બાળકો ખોરાકને ઓળખી શકતા નથી અને જ સામે આવે તે જ ખાઈ લે છે. તેમજ શું ખાધું તે પણ યાદ રહેતું નથી. (રર.૧૯)

(4:09 PM IST)