<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અચાનક નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યા: કુલીઓ સાથે મુલાકાત કરીને હાલચાલ પૂછ્યા

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, કેવી રીતે કુલીઓ પ્લેટફોર્મ પર લોકોની મદદ કરી: તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા

નવી દિલ્હી :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અચાનક નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યા. અહીં તેમણે કુલીઓ સાથે મુલાકાત કરીને તેમના હાલચાલ પૂછ્યા. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, કેવી રીતે કુલીઓ પ્લેટફોર્મ પર લોકોની મદદ કરી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા 

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'અંધકારમય સમયમાં જ માનવતાનો પ્રકાશ સૌથી વધુ ચમકતો હોય છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ દરમિયાન કુલી ભાઈઓએ માનવતાની મિસાલ રજૂ કરતા અનેક મુસાફરોના જીવ બચાવ્યા હતા. તેના માટે હું દેશવાસીઓ તરફથી આજે તેમનો આભાર માન્યો, પરંતુ આવી દુર્ઘટનાઓથી શીખવું જરૂરી છે. ભીડ નિયંત્રણ, આધુનિક ટેકનીકનો ઉપયોગ, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈમરજન્સી વ્યવસ્થાઓને મજબૂત કરીને તેને રોકી શકાય છે. આશા છે કે સરકાર આ દિશામાં યોગ્ય પગલાં ભરશે જેથી દરેક વર્ગના મુસાફર સુરક્ષિત મુસાફરી કરી શકે.

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કુલીઓ સાથે 40 મિનિટ સુધી સમય વિતાવ્યો હતો. કુલીઓએ રાહુલ ગાંધીને મેડિકલ સહિતની કેટલીક સુવિધાઓને લઈને પોતાની માગો જણાવી. તેમણે કહ્યું કે, 'અમને ખુશી છે કે રાહુલ ગાંધી અમને લોકોને મળવા અહીં આવ્યા.' આવું પહેલી વાર નથી જ્યારે રાહુલ ગાંધી અચાનક કોઈ રેલેવે સ્ટેશન પહોંચી ગયા હોય. વર્ષ 2023માં તેમણે આનંદ વિહાર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. 

   આનંદ વિહાર પર તેમણે કુલીનો ડ્રેસ પહેર્યો હતો અને માથા પર સામાન પણ રાખ્યો હતો. ગત કેટલાક વર્ષોમાં કેટલીક વખત એવું જોવા મળ્યું છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામાન્ય લોકો વચ્ચે જઈને તેમના હાલચાલ જાણે છે. ગત વર્ષ ડિસેમ્બરમાં રાહુલ ગાંધી અચાનક શાકભાજી ખરીદવા માર્કેટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહિલાઓ સાથે તેમના હાલચાલ અને મુશ્કેલીઓ અંગે પૂછ્યું.

(12:04 AM IST)