News of Monday, 3rd March 2025
નરેન્દ્રભાઇનો જામનગર-સોમનાથ-સાસણ-રાજકોટ પ્રવાસ પૂર્ણ
વનતારા, પ્રથમ જયોર્તિલીંગના દર્શન, સિંહ નિહાળતા વડાપ્રધાન મોદી શનિવારથી શરૂ થયેલ મુલાકાત આજે સોમવારે પુરી થતા હિરાસર એરપોર્ટથી દિલ્હી જવા રવાના

(વિતુ જોષી દ્વારા) જુનાગઢ : વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઇ નિયમિત રીતે ગુજરાતની મુલાકાતે આવતા રહે છે, ત્યારે શનિવારથી જામનગર ખાતેથી શરૂ થયેલ પીએમનો પ્રવાસ આજે રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે પુર્ણ થયેલ અને તેઓ દિલ્હી જવા રવાના થયા હતા.
નરેન્દ્રભાઇએ પ્રવાસના પ્રથમ દિવસે રવિવારે જામનગર ખાતે અનંત અંબાણી દ્વારા બનાવાયેલ વનતારાની મુલાકાત કરી હતી. અહીં વન પ્રાણીઓના પુનર્વસન, સંરક્ષણ કરવામાં આવે છે. અહીં અંબાણી પરિવાર વતી મુકેશ-નીતા અંબાણીએ નરેન્દ્રભાઇને આવકાર્યા હતા. જયારે નરેન્દ્રભાઇએ વનતારામાં લગભગ ૪ કલાક જેટલો સમય ગાળ્યો હતો. ત્યાંથી તેઓ સોમનાથ જવા રવાના થયા હતા.
મહાકુંભની પૂર્ણાહુતિ બાદ પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવના દર્શનના સંકલ્પ સાથે નરેન્દ્રભાઇ સોમનાથ પહોંચ્યા હતા. તેમણે સોમનાથ દાદાને શિશ ઝુકાવી દેશવાસીઓ માટે પ્રાર્થના કરી હતી. અહીંથી તેઓએ રાત્રિ રોકાણ સાસણ ખાતે કર્યુ હતું.
ગઈકાલે જામનગર, સોમનાથ અને સાસણ બાદ આજે વહેલી સવારે સિંહદર્શન કરવા પહોંચ્યા હતા. સિંહદર્શન બાદ વડાપ્રધાન સાસણ સિંહ સદન ખાતે પરત ફર્યા હતા, જે બાદ વર્લ્ડ વાઈડલાઈફની કોન્ફરન્સમાં વન વિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બેઠક પહેલાં મોદીએ નેશનલ રેફરલ સેન્ટર જૂનાગઢનો શિલાન્યાસ કર્યો અને રિવર ડોલ્ફિનની વસતિ અંગેનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. સાસણથી વડાપ્રધાન રાજકોટ જવા રવાના થયા હતાં.
નરેન્દ્રભાઇના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠક યોજાઇઃ તલસ્પર્શી માહિતી મેળવી જરૂરી સૂચન કર્યા
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને સાસણ ગીરમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની સાતમી બેઠક યોજાઇ હતી. જેમાં નરેન્દ્રભાઇએ સંબંધીત અધિકારીઓ પાસેથી તલસ્પર્શી માહિતી મેળવી અને જરૂરી સૂચનો કર્યા હતા. ત્યાર બાદ નરેન્દ્રભાઇને ગીર હેલિપેડ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, મુખ્ય સચિવ પંકજ જોશી, વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવકુમાર, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, એસ.પી ભગીરથસિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ એ ભાવસભર વિદાય આપી હતી. વડાપ્રધાનશ્રીએ ભાલછેલના ગ્રામજનોનું પણ અભિવાદન ઝીલ્યું હતું.
સાસણમાં રાત્રી રોકાણ કર્યા બાદ વહેલી સવારે વડાપ્રધાને સિંહ દર્શન કર્યું
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૦૩ : ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાસણ ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ આજે વહેલી સવારે સિંહ દર્શન કરવા માટે પહોંચ્યા ગયા હતા. વડાપ્રધાને રૂટ નંબર બે ઉપરથી ખુલ્લી જીપમાં સિંહ દર્શન કર્યું હતું. આ પછી તેઓએ ટવીટ પણ કર્યું હતું.
નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે જામનગરથી મુલાકાત બાદ સોમનાથ થઈને સાસણ ખાતે પહોંચ્યા હતા. સોમનાથથી હેલિકોપ્ટર મારફતે પ્રધાનમંત્રી નું સાસણ ખાતે આગમન થયું હતું. વડાપ્રધાનની એન્ટ્રી થતા જ મોદી મોદીની બૂમોથી ગીર ગુંજી ઉઠ્યું હતું. નરેન્દ્ર ભાઈએ સાસણમાં રાત્રી રોકાણ કર્યું હતું અને આજે વહેલી સવારે વિશાળ કાફલા સાથે સિંહ દર્શન કરવા માટે રવાના થયા હતા. સિંહ દર્શન કર્યા બાદ તેઓ ફરી સાસણમાં સિંહ સદન ખાતે પહોંચ્યા હતા.
આજે વિશ્વ વન્ય જીવ દિવસના અવસરે સાસણમાં સિંહ સદન ખાતે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની સાતમી બેઠક યોજાઈ એવી શકયતા છે સાસણની મુલાકાત બાદ વડાપ્રધાન રાજકોટની પણ મુલાકાત લેશે. ત્યાંથી તેઓ દિલ્હી જવા રવાના થશે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
