<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

કુંભ મેળા વિશે લખેલો સ્ટીવ જોબ્સનો લેટર ૪.૩૨ કરોડ રૃપિયામાં વેચાયો

માર્ક ઝકરબર્ગની હૂડી ૧૪ લાખ રૃપિયામાં વેચાઇ

વોશીંગ્ટન, તા.૪ : માર્ક ઝકરબર્ગની હૂડી અને સ્ટીવ જોબ્સની બો ટાઇને અધધ કહેવાતી કિંમતે વેચવામાં આવી છે. જોકે સ્ટીવ જોબ્સ દ્વારા કુંભ મેળા વિશે લખવામાં આવેલો લેટર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ફેસબુકના કો–ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ દ્વારા ૨૦૧૦માં ઘણી વાર જે બ્લેક હૂડી પહેરવામાં આવી હતી, એ અત્યારે અંદાજે ૧૫૮૭૫ અમેરિકન ડૉલર એટલે કે ૧૪ લાખ રૃપિયાની આસપાસ વેચવામાં આવી છે. લોસ એન્જલસમાં અત્યારે જ એક હરાજી રાખવામાં આવી હતી, જેમાં જાણીતી સેલિબ્રિટીઝના કપડાંની હરાજી કરવામાં આવી હતી.

ટાઇમ મેગેઝિન દ્વારા માર્ક ઝકરબર્ગને પર્સન ઑફ ધ યરનું બિરુદ આપવામાં આવ્યું હતું, ત્યારે તેણે જે હૂડી પહેરી હતી, એની અંદાજિત એક હજાર અમેરિકન ડૉલર એટલે કે ૮૭૦૦૦ રૃપિયાની આશા રાખવામાં આવી રહી હતી. જોકે હરાજી જેવી શરુ થઈ કે લોકો એ આ માટે એક પછી એક બોલી લગાવવાની શરુ કરી હતી. આ કિંમત અંતે ૧૫૮૭૫ અમેરિકન ડૉલર એટલે કે ૧૪ લાખ રૃપિયા પર જઈને અટકી હતી

આ હરાજીમાં જેણે આ હૂડી ખરીદી છે, તેના માટે માર્ક ઝકરબર્ગ દ્વારા એક નોટ લખીને મોકલવામાં આવી હતી. આ હૂડી ખરીદનારને એની આશા નહોતી, પરંતુ માર્ક દ્વારા તેના માટે આ સ્પેશ્યલ નોટ મોકલવામાં આવી છે. આ નોટમાં લખ્યું છે કે 'આ મારી ઓલ્ડ–સ્કૂલ ફેસબુક હૂડી છે. શરુઆતના દિવસોમાં હું આ હૂડી ઘણી વાર પહેરતો હતો. અમારું ઓરિજિનલ મિશન જે હતું, એનો સ્ટેટમેન્ટ લોગો આ હૂડીની અંદરની લાઇનિંગ પર લખવામાં આવેલો છે. એન્જોય. – માર્ક ઝકરબર્ગ' એપલના કો–ફાઉન્ડર સ્ટીવ જોબ્સ દ્વારા તેમની સિગ્નેચર બો ટાઇ પણ આ હરાજીમાં આકર્ષણનું કેન્દ્ર રહયું હતું. આ બો ટાઇની કિંમત પણ એક હજાર ડૉલર અંદાજવામાં આવી રહી હતી. જોકે સ્ટીવ જોબ્સની ગ્રીન વિલ્કસ બેશફોર્ડ બ્રેન્ડની બો ટાઇ, જેમાં પિક્ન સ્ટ્રાઇપ છે, એ હરાજીમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સ્ટીવ જોબ્સ દ્વારા આ ટાઇ ૧૯૮૪માં મેકિન્ટોશ કોમ્પ્યુટરના લોન્ચ દરમ્યાન અને ૧૯૮૩માં એસ્પેનમાં યોજાયેલી કોન્ફરન્સમાં પહેરવામાં આવી હતી. આ સાથે જ ૧૯૮૪ની શેરહોલ્ડર મીટિંગ્સમાં પણ તેમણે એ બો ટાઇ પહેરી હતી. આ બો ટાઇની હરાજી શરુ થતાં જ જોતજોતમાં એની કિંમત ખૂબ જ ઊંચાઈએ પહોંચી ગઈ હતી. ૩૫૭૫૦ અમેરિકન ડૉલરમાં એટલે કે ૩૧ કરોડ રૃપિયામાં આ બો ટાઇ ખરીદવામાં આવી છે.

સ્ટીવ જોબ્સ દ્વારા ઘણી ઓછી વાર તેમની સ્પિરીચ્યુઅલ સાઇડને દેખાડવામાં આવી છે. સ્ટીવ જોબ્સ દ્વારા ઘણી ઓછી વાર લેટર લખવામાં આવ્યા છે, અને એમાંનો એક લેટર તેમણે કુંભ મેળા વિશે લખ્યો હતો. આ લેટર ૪.૩૨ કરોડ રૃપિયામાં વેચવામાં આવ્યો છે. સ્ટીવ જોબ્સે તેમના ૧૯મા જન્મદિવસે એટલે કે ૨૩ ફેબ્રુઆરીએ તેમના બાળપણના મિત્ર, ટીમ બ્રાઉનને આ લેટર લખ્યો હતો. સ્ટીવ વોઝનિયાક સાથે મળીને એપલની શોધ કરી એના બે વર્ષ પહેલાં સ્ટીવ જોબ્સ દ્વારા આ લેટર લખવામાં આવ્યો હતો. આ લેટરમાં તેમણે ઝેન બુદ્ધિઝમ અને ઇન્ડિયા જઈ કુંભના મેળામાં ભાગ લેવાની ઇચ્છા વ્યકત કરી હતી. આ લેટરને વાંચવામાં આવે તો એવું લાગે છે કે સ્ટીવ બ્રાઉન દ્વારા લખવામાં આવેલાં લેટરનો તેઓ જવાબ આપી રહ્રયા છે. આ લેટરમાં સ્ટીવ જોબ્સ ઘણી વાર રડી પડ્યા હતા એ વિશે પણ વાત કરી હતી. આ સિવાય સ્ટીવ જોબ્સે લખ્યું હતું કે 'કુંભ મેળામાં ભાગ લેવા માટે ઇન્ડિયા જવાની મારી ઇચ્છા છે. એપ્રિલમાં એ શરુ થાય છે, આથી હું માર્ચમાં ત્યાં જઈશ. હજી સુધી કંઈ નક્કી નથી.'

હિન્દુ ધર્મની સ્ટીવ જોબ્સ પર ખૂબ જ ઊંડી અસર જોવા મળી છે. એ ઉંમરે પણ તેમણે આ લેટરના અંતે થેક્ન યુની જગ્યાએ હિન્દુ ધર્મના શબ્દનો ઉપયોગ કરીને લખ્યું હતું કે 'શાંતિ, સ્ટીવ જોબ્સ'.

(2:57 PM IST)