<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

મંત્રી ધનંજય મુંડેનું રાજીનામું

મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ

મુંબઇ તા. ૪ : મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી ધનંજય મુંડેએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધનંજય મુંડેને રાજીનામું આપવા કહ્યું હતું. ધનંજય મુંડે NCP અજિત પવાર જૂથના નેતા છે. બીડમાં એક સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં તેમનું નામ સામે આવ્યા બાદ તેમના પર રાજીનામાનું દબાણ વધી ગયું હતું.

સોમવાર રાત્રે મુખ્યમંત્રી ફડણવીસે NCPના નેતાઓ સાથે એક બેઠક કરી હતી. ફડણવીસ અજિત પવારના ઘરે ગયા હતા. માનવામાં આવે છે કે આ બેઠકમાં ફડણવીસે મુંડેનું રાજીનામું માંગ્યું હતું. આ પહેલા પણ કેટલીક વખત ધનંજય મુંડે પર અલગ અલગ આરોપ લાગી ચુક્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી ધનંજય મુંડે પર આરોપ લાગ્યા હતા. વિપક્ષ સતત તેમના રાજીનામાની માંગ કરી રહ્યું છે.

ધનંજય મુંડે પરલી વિધાનસભાના ધારાસભ્ય છે. ધનંજય મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી ગોપીનાથ મુંડેના ભાઇ પંડિત અન્ના મુંડેના પુત્ર છે. ધનંજય પોતાના પરિવારનો રાજકીય વારસો લઇને ચાલી રહ્યાં છે. ૨૦૧૪માં ધનંજય મુંડેએ પંકજા વિરૃદ્ધ ચૂંટણી લડી હતી જેમાં તે હારી ગયા હતા. તે બાદ ૨૦૧૯માં ફરી તે ચૂંટણી લડ્યા હતા અને આ વખતે તેમને પંકજા મુંડેને હરાવ્યા હતા. (૭.રપ)

(4:32 PM IST)