News of Tuesday, 4th March 2025
પ વર્ષમાં સરકારે ૮.૭ લાખ કરોડની આપી ટેક્ષ છૂટ
કોર્પોરેટથી ડબલ મળ્યું કરદાતાઓને

નવી દિલ્હી, તા.૪: છેલ્લા પાંચ વર્ષમાં, કેન્દ્ર સરકારે કર મુકિત દ્વારા વ્યકિતઓ અને હિન્દુ અવિભાજિત પરિવારની શ્રેણીમાં આવતા કરદાતાઓને કુલ ૮.૭ લાખ કરોડ રૂપિયાની મુકિત આપી છે. આ માહિતી સરકારે લોકસભામાં આપેલા આંકડા પરથી સામે આવી છે.
સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર, સરકારે પાંચ વર્ષમાં વ્યકિતઓ અને હિન્દુ અવિભાજિત પરિવારોને ૮.૭ લાખ કરોડ રૂપિયાની કર મુકિત આપી છે, જે કોર્પોરેટ જગતને આપવામાં આવતી કર મુકિત કરતાં બમણી છે. જ્યારે આ જ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન સરકારે કોર્પોરેટ જગતને ૪.૫ લાખ કરોડ રૂપિયાની કર મુકિત આપી છે. હકીકતમાં, વિપક્ષ સરકાર પર કોર્પોરેટ જગતની સાથે ઉભી રહેવાનો આરોપ લગાવી રહ્યું છે. ૧ ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે બજેટ રજૂ કરતા પહેલા, સરકાર પર મધ્યમ વર્ગ અને પગારદાર વર્ગ વિરોધી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ રજૂ કરતી વખતે કરદાતાઓને મોટી રાહત આપી અને જાહેરાત કરી કે નવી કર વ્યવસ્થા હેઠળ, વાર્ષિક ૧૨ લાખ રૂપિયા કમાતા લોકોને હવે કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં. આનાથી મધ્યમ વર્ગ પરનો કરનો બોજ ઓછો થશે, જેનાથી તેમના હાથમાં ખર્ચ કરવા માટે ૧ લાખ કરોડ રૂપિયા રહેશે. આનાથી સ્થાનિક વપરાશ, બચત અને રોકાણ વધારવામાં મદદ મળશે.
નાણામંત્રી સીતારમણે તેમના બજેટ દ્વારા પગારદાર પેન્શનરોને મોટી રાહત આપી છે. નવા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં વાર્ષિક ૧૨ લાખ રૂપિયા સુધીની કમાણી કરનારા લોકોને કોઈ ટેકસ ચૂકવવો પડશે નહીં. એટલે કે ૧૨ લાખ રૂપિયા સુધીની આવક કરમુકત થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે કરદાતાઓને નવી વ્યવસ્થામાં વાર્ષિક ૭૫,૦૦૦ રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડકશનનો લાભ મળતો રહેશે. એટલે કે જે કરદાતાઓની વાર્ષિક આવક ૧૨.૭૫ લાખ રૂપિયા છે તેમને કોઈ ટેકસ ચૂકવવો પડશે નહીં. નવી આવકવેરા વ્યવસ્થામાં ટેકસ સ્લેબમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ૪ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેકસ નહીં લાગે.
નાણાંમંત્રીએ વરિષ્ઠ નાગરિકોને મોટી ભેટ આપી છે. વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ પર TDS મર્યાદા વધારવાની જાહેરાત કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા હાલના ૫૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૧ લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે, બેંકોમાં FD પર ૫૦,૦૦૦ રૂપિયા સુધીના વ્યાજ પર કાપવામાં આવતી TDS ની મર્યાદા વધારીને ૧ લાખ રૂપિયા કરવામાં આવી છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
