<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

ઔરંગઝેબના વખાણ કરનાર સપા નેતા અબૂ આઝમી વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ

 

મુંબઈ, તા.૪: મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અબૂ આઝમીને ઔરંગઝેબના વખાણ કરવા ભારે પડશે. શિવસેનાએ અબૂ આઝમી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અહીં ઉલ્લેખનિય છે કે, આ અગાઉ શિવસેના પ્રમુખ અને રાજ્યના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ પણ અબૂ આઝમી પર દેશદ્રોહનો કેસ નોંધવાની માગ કરી હતી.

ઔરંગઝેબના વખાણ કરવાને કારણે મહારાષ્ટ્ર સપા પ્રમુખ અબુ આઝમીની મુશ્કેલીઓ વધી ગઈ છે. શિવસેના (શિંદે) એ મુંબઈના મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં અબુ આઝમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શિવસેનાના પ્રવકતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય કિરણ પાવસ્કર કાર્યકરો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી. અબુ આઝમી સામે રાજદ્રોહનો કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત, શિવસેના સાંસદ નરેશ મ્હસ્કેની ફરિયાદના આધારે થાણેના વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં અબુ આઝમી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે સપા ધારાસભ્ય અબુ આઝમીની મુશ્કેલીઓ વધવાની છે. પોલીસે આઝમી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૯, ૩૦૨ અને ૩૫૬ હેઠળ કેસ નોંધ્યો છે.

(4:32 PM IST)