તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Saturday, 8th March 2025
ઘરડું થતું ભારત....૬૦ વર્ષના વૃદ્ધોની સંખ્યા ૧૫ કરોડને પાર
સરેરાશ આયુષ્ય જે ૪૧.૨ વર્ષ હતું તે હવે ૭૨ વર્ષ સુધી પહોંચી ગયું : કુલ વસતીમાંથી ૧૫ કરોડ લોકો ૬૦ વર્ષ કે તેનાથી વધારે ઉંમરના છે : આગામી સમયમાં આ આંકડો વધતો જશે

નવી દિલ્હી, તા.૮: ભારત ભલે હાલમાં યુવાનોનો દેશ ગણાતો પણ ટૂંક સમયમાં જ ભારત કેટલાક જાણીતા દેશોની જેમ ઘરડાઓ અને વૃદ્ધોના દેશ તરીકે પણ જાણીતો થવાનો છે. માત્ર બે દાયકા બાદ ભારતમાં વૃદ્ધોની વસતી મોટા પ્રમાણમાં જોવા મળશે. તાજેતરમાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે, ભારતમાં હાલમાં કુલ વસતીમાંથી ૧૫ કરોડ લોકો ૬૦ વર્ષ કે તેનાથી વધારે ઉંમરના છે. આગામી સમયમાં આ આંકડો વધતો જશે.
ભારતમાં પ્રજનન દર ઓછો થઈ રહયો છે : વર્ષ ૨૦૫૦માં ભારતની વસતીમાંથી ૨૧ ટકા લોકો એટલે કે અંદાજે ૩૫ કરોડ લોકો વૃદ્ધો હશે. ભારતમાં પ્રજનન દર ઓછો થઈ રહ્યો છે અને વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. દેશમાં વધતી વૃદ્ધોની સંખ્યા ભારતના વિકાસ અને અર્થતંત્ર ઉપર મોટાપાયે નકારાત્મક અસર ઊભી કરે છે. સૂત્રોના મતે આ જે સ્થિતિ ઊભી થઈ છે તે ભારતને વિકસિત દેશ બનવાની દિશામાં અવરોધ ઊભો કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતનો તાજેતરમાં જ પ્રજાસત્તાક દિવસ ઉજવાયો છે. ૭૫ વર્ષના આ સમયચક્રમાં ખૂબ જ મોટા ફેરફાર આવ્યા છે. તે સમયે દેશની જે વસતી હતી તેના કરતાં અત્યારે તોતિંગ વસતી થઈ ગઈ છે. આ ઉપરાંત એ વખતે ભારતમાં લાઇફ એક્સપેક્ટન્સી એટલે કે સરેરાશ આયુષ્ય જે ૪૧.૨ વર્ષ હતું તે હવે ૭૨ વર્ષ સુધી પહોંચી ગયું છે. આ આંકડો કોઈપણ સામાન્ય અને સ્વસ્થ વ્યક્તિના સરેરાશ આયુષ્યના આંકડાને દર્શાવે છે. ભારત જેવા અધધ વસતી ધરાવતા દેશ માટે આમ તો આ આંકડો એક સિદ્ધિ સમાન છે. ૧.૪૦ અબજ લોકોની વસતી ધરાવતા દેશમાં સરેરાશ આયુષ્ય વૈશ્વિક સરેરાશ કરતાં માત્ર ૧ જ વર્ષ ઓછું હોય તે મોટી બાબત છે.
ભારતમાં ૧૫ કરોડ વૃદ્ધો છે જે અઢી દાયકા બાદ ૩૫ કરોડે પહોંચી જશે.
હાલમાં ભારતની વસતીમાંથી અડધી વસતી ૨૯ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરની છે. એટલે કે અંદાજ ૭૦ કરોડ લોકો યુવાન છે તેમ કહી શકાય. આ મોટી સંખ્યા જ ભારતના આર્થિક વિકાસને વેગ આપી રહી છે. એક અહેવાલ પ્રમાણે છેલ્લાં અઢી દાયકામાં પ્રત્યેક વ્યક્તિ દીઠ જીડીપીની વૃદ્ધિ વાર્ષિક ૦.૭ ટકાના સરેરાશથી થઈ છે. તેમાં હવે પરિવર્તન આવ્યું છે. ભારતમાં પહેલા વખત વૃદ્ધોની સંખ્યા વધતી જોવા મળી રહી છે. હાલમાં ભારતમાં ૧૫ કરોડ વૃદ્ધો છે જે અઢી દાયકા બાદ ૩૫ કરોડની આસપાસ પહોંચી જશે. વૃદ્ધોની સંખ્યા અમેરિકાની હાલની વસતી કરતાં પણ વધારે હશે. તેના કારણે જ ભારતીય અર્થતંત્રની રફતાર ઘટવાની શક્યતાઓ જોવાઈ રહી છે.(૨૩.૫)
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
