<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

સુહાગરાત પહેલા દુલ્‍હનની પોલ ખુલીઃ ઘરેણાં અને રોકડ રકમ લઈને ફરાર

બેવફા તને દૂરથી સલામ

વારાણસી,તા.૮: લગ્ન બાદ સુહાગરાતનું સપનું જોઈ રહેલા વરરાજાના અરમાનો પર પાણી ફરી વળ્‍યું. સાત ફેરા બાદ વિદાયની રાહ જોઈ રહેલા વરરાજાની દુલ્‍હન પોતાના ભાઈ સાથે ભાગી ગઈ. લાંબા સમય સુધી દુલ્‍હન પાછી ન આવી તો વરરાજાના પિતાએ હોબાળો મચાવી દીધો. આ મામલો યુપીના વારાણસીમાંથી સામે આવ્‍યો છે. જ્‍યાં ભદોહી જિલ્લાના રતના ગામના રહેવાસી ઈન્‍દ્રજીત કહારે દીકરીના લગ્ન સિદ્ધાર્થ કુમાર સાથે બડાગામના હસનપુર રહેવાસી કળપાશંકરની દીકરી સાથે નક્કી કર્યા હતા. ૬ માર્ચના રોજ ધૂમધામથી દુલ્‍હનના દરવાજે જાન પહોંચી. વરમાળા બાદ વર અને કન્‍યાએ સાત ફેરા લીધા અને વિદાયની તૈયારી શરૂ થઈ. પણ ત્‍યારે દુલ્‍હન ઘરેણાં અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ.

ઉદાસ મનથી વરરાજો ૬ કલાક સુધી દુલ્‍હનની રાહ જોતો રહ્યો અને રડતા રડતા સૂઈ ગયો. સવારે જ્‍યારે આંખ ખોલીને જોયું તો દુલ્‍હન હજુ પણ પાછી નહોતી આવી. જે બાદ તેણે પોતાના ભાઈને કહ્યું કે મારી પત્‍ની દગો આપી ગઈ. દીકરાને રડતા જોઈ પિતાએ જાનૈયાઓને હાથ જોડી પાછા મોકલી દીધા અને અમુક સંબંધીઓને લઈને નવી દુલ્‍હનને શોધવા માટે નીકળ્‍યા પડ્‍યા. જ્‍યારે વરરાજાના ભાઈ દુલ્‍હનને શોધવા માટે તેમના ઘરે ગયા તો ત્‍યાં પણ મળી નહીં. શોધતી વખતે અમુક લોકો મળ્‍યા, જેમણે કહ્યું કે, છોકરી સવાર સવારમાં પોતાના ભાઈ સાથે બાઈક પર કયાંક જતી હતી.

આ મામલો એટલો આગળ વધી ગયો કે પોલીસને બોલાવવી પડી. વર પક્ષ તરફથી આરોપ લગાવ્‍યો કે દુલ્‍હને ઘરેણાં અને મંડપમાં પહેરવામાં આવેલા આપેલા ઘરેણાં લઈ ગઈ. છોકરાના પિતાએ પોલીસમાં ફરિયાદ લખાવતા જણાવ્‍યું કે, ૪ વાગ્‍યાની આસપાસ મંડપની વિધિ પૂરી થઈ અને વિદાય આઠ વાગ્‍યે રાખી હતી. પણ આ અગાઉ દુલ્‍હન ઘરેણાં સાથે ભાગી ગઈ. કલાકો સુધી પંચાયત થયા બાદ આખરે બંને પક્ષને પોલીસ સ્‍ટેશને લઈ ગયા.

વરરાજાના પિતાએ દુલ્‍હન, તેના ભાઈ અને પિતાના નામે ફરિયાદ આપીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વરરાજાના પિતાએ જણાવ્‍યું કે, લગ્ન માટે ૬ માર્ચની તારીખ નક્કી કરી હતી. ગુરુવાર સાંજે ધૂમધામથી જાન લઈને વારાણસી આવ્‍યા હતા. આખી જાનનું ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું. દીકરાના લગ્ન થતા હોવાથી આખો પરિવાર ખૂબ ખુશ હતો. પણ દુલ્‍હને બધી ખુશીઓ પર પાણી ફેરવી દીધું.(૪૦.૪)

(4:08 PM IST)