<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

પંજાબમાં પોલીસ એન્કાઉન્ટરમાં બંબીહા ગેંગ સાથે સંકળાયેલ ગેંગસ્ટર ઘાયલ : ડ્રગ્સ અને રિવોલ્વર મળી

એન્કાઉન્ટરમાં, ગેંગસ્ટરને પગમાં ગોળી વાગી :આરોપીની ઓળખ તેજિંદર સિંહ ઉર્ફે તેજી તરીકે થઈ: તે રાજપુરાનો રહેવાસી

પંજાબના પટિયાલામાં પોલીસ સાથેની એન્કાઉન્ટરમાં બંબીહા ગેંગનો મુખ્ય શસ્ત્ર સપ્લાયર ઘાયલ થયો હતો. મોડી સાંજે થયેલા આ એન્કાઉન્ટરમાં, ગેંગસ્ટરને પગમાં ગોળી વાગી હતી. આરોપીની ઓળખ તેજિંદર સિંહ ઉર્ફે તેજી તરીકે થઈ છે. તે રાજપુરાનો રહેવાસી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેજિંદર સિંહ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ અનેક કેસ નોંધાયેલા છે.

 

મળતી માહિતી મુજબ, પોલીસને ગુપ્ત માહિતી મળી હતી, ત્યારબાદ પોલીસે આ વિસ્તારની નાકાબંધી કરી હતી. આ દરમિયાન પોલીસે તેજિન્દર સિંહને રોકવાનો ઈશારો કર્યો પરંતુ તેણે પોલીસ વાહન પર ગોળીબાર કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે ગેંગસ્ટર સિંહે કાર પર બે ગોળીઓ ચલાવી હતી. આ પછી પોલીસે જવાબી કાર્યવાહી શરૂ કરી. પોલીસની ગોળી તેજિન્દર સિંહના પગમાં વાગી, જેનાથી તે ઘાયલ થયો.

 

માહિતી આપતાં, એસએસપી ડૉ. નાનક સિંહે જણાવ્યું કે તેજિન્દર સિંહ બંબીહા ગેંગ સાથે સંબંધિત હતો. તે મધ્યપ્રદેશથી હથિયારો લાવીને ગેંગને સપ્લાય કરતો હતો. તેમણે એમ પણ કહ્યું કે આ હથિયારોનો ઉપયોગ ગેંગ દ્વારા પંજાબમાં વિવિધ ગુનાઓ કરવા માટે કરવામાં આવતો હતો.

 

એસએસપીએ જણાવ્યું હતું કે આરોપી તેજિન્દર સિંહ પાસેથી ઘટનાસ્થળે મોટી માત્રામાં નશીલા પદાર્થોની ગોળીઓ, એક રિવોલ્વર અને બે કારતૂસ મળી આવ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક પેકેટમાં સફેદ રંગની ગોળીઓ છે અને એક રિવોલ્વર જમીન પર પડેલી છે. પોલીસે તેજિન્દર સિંહને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે.

 

એસએસપીએ જણાવ્યું હતું કે તેજિન્દર સિંહ વિરુદ્ધ પાંચ કેસ નોંધાયેલા છે, જેમાં એક ડ્રગ દાણચોરીનો કેસ, ત્રણ આર્મ્સ એક્ટના કેસ અને એક હત્યાનો કેસ સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ સેલ પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે તેજિંદર સિંહ બાઇક પર આવી રહ્યો છે. જે બાદ પોલીસે રસ્તો બ્લોક કરી દીધો. પછી તેજિન્દર સામેથી આવતો જોવા મળ્યો, પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો પણ તેણે રોકવાને બદલે ગોળીબાર શરૂ કરી દીધો.

તેજિન્દર સિંહે પોલીસ વાહન પર બે ગોળીઓ ચલાવી, જેમાંથી એક કારના બોનેટમાં વાગી અને બીજી કારની બાજુમાં વાગી. જે બાદ પોલીસે પણ ગોળીબાર કર્યો જેમાં તેજિંદરને પગમાં ગોળી વાગી અને તે ઘાયલ થયો. એસએસપીનું કહેવું છે કે તેજિન્દર અન્ય કયા કેસોમાં વોન્ટેડ છે તે અંગે પંજાબના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તપાસ કરવામાં આવશે.

(10:40 PM IST)