<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

IDBI બેંકના ખાનગીકરણની પ્રક્રિયા આગળ વધી

કેન્દ્ર સરકાર અને LICનો તેમાં મોટો હિસ્સો છેઃ કેન્દ્ર ૩૦.૪૮% અને એલઆઈસી ૩૦.૨૪% હિસ્સો ધરાવે છે ડેટા રૂમ સંબંધિત બધી સમસ્યાઓ ઉકેલાઈ ગઈઃ ડ્યુ ડિલિજન્સની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને સરકાર ટૂંક સમયમાં નાણાકીય બિડ મંગાવવાની આશા રાખે છે

નવી દિલ્હી, તા.૧૧: IDBI બેંકના ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા હવે વેગ પકડી રહી છે. સરકારે તેના ડેટા રૂમને લગતી બધી સમસ્યાઓનું નિરાકરણ કર્યું છે. આનાથી આ બેંકના ખાનગીકરણના આગામી તબક્કાનો માર્ગ મોકળો થયો છે. ડ્યુ ડિલિજન્સની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને સરકાર ટૂંક સમયમાં નાણાકીય બિડ મંગાવવાની આશા રાખે છે. બિઝનેસ ટુડે ટીવીએ અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે IDBI બેંકના ખાનગીકરણની પ્રક્રિયા સરળતાથી આગળ વધી રહી છે. ડેટા રૂમ સંબંધિત તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં નાણાકીય બિડ મંગાવવામાં આવશે. ડેટા રૂમ એ એક એવી જગ્યા છે જ્યાં કંપનીની બધી નાણાકીય માહિતી રાખવામાં આવે છે. સંભવિત ખરીદદારો આ માહિતી જુએ છે, કંપનીનું મૂલ્યાંકન કરે છે અને તેમની બોલી લગાવે છે. અધિકારીઓના મતે, ડેટા રૂમના મુદ્દાઓના ઉકેલનો અર્થ એ છે કે સોદો તેના અંતિમ તબક્કામાં છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે સંભવિત બોલી લગાવનારાઓએ ડેટા રૂમ વિશે થોડા પ્રશ્નો પૂછ્યા હતા તે સિવાય કોઈ મોટી સમસ્યા નહોતી, જે હવે ઉકેલાઈ ગઈ છે. જાન્યુઆરી ૨૦૨૩ થી IDBI બેંકના ખાનગીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારબાદ કેન્દ્ર સરકારે એકસપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જારી કર્યું હતું. સરકાર અને LIC મળીને બેંકમાં તેમનો ૬૧% હિસ્સો વેચવા માંગે છે. આમાં કેન્દ્ર સરકારનો ૩૦.૪૮% હિસ્સો અને એલઆઈસીનો ૩૦.૨૪% હિસ્સો શામેલ છે.

એર ઇન્ડિયાના વેચાણ પછી આ સૌથી મોટી ખાનગીકરણ પહેલ હશે. જોકે, આ વેચાણમાંથી સરકારને કેટલા પૈસા મળશે તે સ્પષ્ટ નથી. ગયા વર્ષની સામાન્ય ચૂંટણીઓ પછી સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકો નક્કી કરવાનું બંધ કરી દીધું છે. હવે સરકાર કરવેરા સિવાયની આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ માં સરકારને DIPAM તરફથી કુલ રૂ. ૬૮,૨૬૩ કરોડ મળશે, જેમાં રૂ. ૮,૬૨૫ કરોડ ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી મળશે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેના કેન્દ્રીય બજેટમાં વિનિવેશ અને સંપત્તિના મુદ્રીકરણથી રૂ. ૪૭,૦૦૦ કરોડનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

(1:42 PM IST)