સળંગ ત્રીજા દિવસે સોના-ચાંદીના ભાવ સ્થિર રહ્યા
વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભાવ સ્થિર :અમદાવાદ બુલિયન બજારમાં સોનાનો ભાવ સળંગ છેલ્લા ત્રણ દિવસથી રૃ. ૮૮૮૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર સ્થિર રહ્યો છે

નવી દિલ્હી, તા.૧૨
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા પગલાંઓના કારણે આર્થિક મંદી અને ટ્રેડ વોરની ભીતિના પગલે કિંમતી ધાતુ બજાર પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. જેના પગલે સોના-ચાંદી માર્કેટ છેલ્લા ત્રણ દિવસથી સ્થિર બન્યા છે.
વૈશ્વિક અને સ્થાનિક સ્તરે ગઈકાલે સોનું ફ્લેટ બંધ રહ્યા બાદ આજે નજીવા ઘટાડે ક્વોટ થઈ રહ્યું છે. એમસીએક્સ સોનું રૃ. ૮૬૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર સ્થિર રહ્યું છે. જે આજે ૮૬૧૩૯ પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે ખૂલ્યા બાદ રૃ. ૧૦૫ના નજીવા ઘટાડે ૮૬૦૪૭ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ પણ ૧.૭૯ ડોલરના નજીવા ઘટાડે ૨૯૧૯.૧૦ ડોલર પર ક્વોટ થયુ હતું.
અમદાવાદ બુલિયન બજારમાં સોનાનો ભાવ સળંગ છેલ્લા ત્રણ દિવસથી રૃ. ૮૮૮૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર સ્થિર રહ્યો છે. તે અગાઉ સાત માર્ચે રૃ. ૮૮૯૦૦ પ્રતિ ૧૦ ગ્રામ થયો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરતાં ટ્રેડ વોર અને ફુગાવાની ભીતિ વધી છે, જેના લીધે ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવો પણ ઘટ્યા છે. ફેડ આગામી સમયમાં વ્યાજના દરો ઘટાડે તેવી શક્યતાઓ સાથે કિંમતી ધાતુને તેજીનો ટેકો મળ્યો છે. વર્તમાન પરિબળોને ધ્યાનમાં રાખતાં આગામી ગાળામાં સોના-ચાંદીમાં તેજી જળવાઈ રહે તેવી શક્યતાઓ કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે. કિંમતી ધાતુ બજાર વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે હાલ સ્થિર બન્યું છે. પરંતુ તેમાં ચાંદી અપવાદ રૃપ સાબિત થઈ છે. ગત વર્ષે પણ આકર્ષક રિટર્ન આપનારી ચાંદીમાં તેજી યથાવત રહી છે. વૈશ્વિક ચાંદી ૦.૩૩ ટકા ઉછાળે ૩૩.૨૫ ડોલર પ્રતિ ઔંશ પર ક્વોટ થઈ હતી. એમસીએક્સ ચાંદી પણ આજે રૃ. ૨૧૯ના ઉછાળે રૃ. ૯૮૩૫૧ પ્રતિ કિગ્રા પર કારોબાર કરી રહી હતી. ચાંદી વાયદો ગઈકાલે પણ રૃ. ૧૧૪૩ ઉછળી રૃ. ૯૭૬૦૮ પ્રતિ કિગ્રા પર બંધ રહ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
