<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

અપહરણ કરાયેલી ટ્રેનમાં કેટલા બંધકો ? કેટલા મૃત્‍યુ થયા ? પાકિસ્‍તાન સેના અને બીએલએ બળવાખોરોના દાવા શું છે ?

ઝફર એક્‍સપ્રેસ ૯ બોગીમાં લગભગ ૫૦૦ મુસાફરો સાથે ક્‍વેટાથી પેશાવર જઈ રહી હતી :બલૂચ બળવાખોરોએ ટનલ નંબર ૮ પર રેલ્‍વે ટ્રેક ઉડાવી દીધો અને ઝફર એક્‍સપ્રેસ પર ગોળીબાર કર્યો : જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ

નવી દિલ્‍હી, તા.૧૨: પાકિસ્‍તાનના બલુચિસ્‍તાન પ્રાંતમાં ત્‍યારે ખળભળાટ મચી ગયો જ્‍યારે અલગતાવાદી બલુચ લિબરેશન આર્મી (BLA) એ એક પેસેન્‍જર ટ્રેન હાઇજેક કરવાનો દાવો કર્યો. આ ટ્રેનમાં લગભગ ૫૦૦ લોકો હતા. આ અપહરણ અંગે પાકિસ્‍તાન સરકાર દ્વારા અત્‍યાર સુધી ખૂબ જ ઓછી માહિતી જાહેર કરવામાં આવી છે, પરંતુ BLA એ દાવો કર્યો છે કે તેણે ૨૦૦ થી વધુ મુસાફરોને બંધક બનાવ્‍યા છે, જેમાંથી મોટાભાગના પાકિસ્‍તાન સુરક્ષા દળોના સભ્‍યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બંધકોમાં પાકિસ્‍તાનની ગુપ્તચર એજન્‍સીના લોકો પણ શામેલ છે.

મળતી માહિતી મુજબ, ઝફર એક્‍સપ્રેસ ૯ બોગીમાં લગભગ ૫૦૦ મુસાફરો સાથે ક્‍વેટાથી પેશાવર જઈ રહી હતી. મંગળવારે સવારે ગુડલર અને પીરુ કુનરીના પહાડી વિસ્‍તારો નજીક એક સુરંગમાં સશષા માણસોએ તેને અટકાવ્‍યું હતું. બલૂચ બળવાખોરોએ ટનલ નંબર ૮ પર રેલ્‍વે ટ્રેક ઉડાવી દીધો અને ઝફર એક્‍સપ્રેસ પર ગોળીબાર કર્યો, જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. બળવાખોરોએ આ વિસ્‍તારનો ફાયદો ઉઠાવ્‍યો, જે ૧૭ ટનલથી ભરેલો છે જે ટ્રેનોની ગતિ ધીમી કરે છે. ગોળીબારમાં ટ્રેન ડ્રાઈવર ઘાયલ થયો હતો.

BLAનો દાવો- ૩૦ પાકિસ્‍તાની સૈનિકોને મારી નાખ્‍યા, સરકાર સમક્ષ રાખી આ શરત.

સુરક્ષા દળો સાથેની અથડામણ બાદ બળવાખોરોએ ટ્રેન પર કબજો કરી લીધો. બલુચિસ્‍તાનમાં ટ્રેનો સામાન્‍ય રીતે સુરક્ષા દળો સાથે હોય છે કારણ કે શહેરમાં વારંવાર અલગતાવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે.

બળવાખોરોએ ૩૦ થી વધુ પાકિસ્‍તાની સૈન્‍ય જવાનોને માર્યા હોવાનો દાવો પણ કર્યો હતો અને ચેતવણી આપી હતી કે જો સેના લશ્‍કરી કાર્યવાહી શરૂ કરશે તો વધુ હત્‍યાઓ થશે.

આ હુમલો BLAના માજીદ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્‍યો હતો, જે પાકિસ્‍તાનથી બલુચિસ્‍તાનની સ્‍વતંત્રતાની માંગ કરી રહી છે. BLA એ બંધકોની મુક્‍તિના બદલામાં રાજકીય કેદીઓ અને ગુમ થયેલા વ્‍યક્‍તિઓની મુક્‍તિની માંગ કરી છે અને જો તેની શરતો પૂરી નહીં થાય તો પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે.

બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્‍તાન સરકારને ૪૮ કલાકનું અલ્‍ટીમેટમ આપ્‍યું છે. તેમણે માંગ કરી છે કે આ સમયગાળા દરમિયાન તમામ બલૂચ રાજકીય કેદીઓ, બળજબરીથી ગાયબ થયેલા વ્‍યક્‍તિઓ અને કાર્યકરોને બિનશરતી મુક્‍ત કરવામાં આવે. BLA એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો બધા કેદીઓને મારી નાખવામાં આવશે અને ટ્રેન સંપૂર્ણપણે નાશ પામશે. BLAએ પણ સ્‍પષ્ટતા કરી છે કે આ તેમના તરફથી અંતિમ જાહેરાત છે.

પાકિસ્‍તાની સુરક્ષા અધિકારીઓએ જણાવ્‍યું હતું કે જવાબી હુમલામાં અત્‍યાર સુધીમાં ૧૬ બળવાખોરો માર્યા ગયા છે અને ૧૦૪ મુસાફરોને બચાવી લેવામાં આવ્‍યા છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અલગાવવાદીઓએ કેટલાક મુસાફરોને ટેકરીઓમાં છુપાવ્‍યા છે.

ઘણા લોકો બચી ગયા- સૂત્રોના જણાવ્‍યા અનુસાર, બચાવાયેલા મુસાફરોમાં ૫૮ પુરુષો, ૩૧ મહિલાઓ અને ૧૫ બાળકોનો સમાવેશ થાય છે.

પાકિસ્‍તાનના પીએમએ શું કહ્યું? : પાકિસ્‍તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે સુરક્ષા દળોનું મનોબળ ઊંચું છે અને મુસાફરોને ટૂંક સમયમાં બચાવી લેવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે મુશ્‍કેલ ભૂપ્રદેશ હોવા છતાં, સુરક્ષા દળોનું મનોબળ ઊંચું હતું અને તેઓ બળવાખોરોના મનસુબાઓને નિષ્‍ફળ બનાવી રહ્યા હતા.(૨૩.૧૦)

(4:20 PM IST)