News of Thursday, 13th March 2025
અમેરિકા ફરી દુનિયાને ડૂબાડી દેશે ! મોટા રોકાણકારોને દેવાના સંકટની ચેતવણી આપી
૨૦૦૮ ની જેમ, અમેરિકા ફરી એકવાર વધતા દેવાના સંકટનો સામનો કરી રહયું છે, જેનો બોજ સમગ્ર વિશ્વ ભોગવી રહયું છે અમેરિકાના ટેરિફ યુદ્ધને કારણે વિશ્વ અર્થતંત્ર સંકટમાં મુકાઈ શકે છે : અમેરિકાની ખાધ હાલમાં GDP ના ૭.૨ ટકા છે

નવી દિલ્હી, તા.૧૩: બધાને ૨૦૦૮નું વર્ષ યાદ હશે, જ્યારે અમેરિકામાં દેવાના સંકટને કારણે આખી દુનિયાને ભારે નુકસાન સહન કરવું પડયું હતું. ફરી એકવાર અમેરિકામાં આવી જ પરિસ્થિતિ વિકસી રહી હોય તેવું લાગે છે, જેના વિશે અગ્રણી રોકાણકારે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે કહયું છે કે અમેરિકાના દેવા સંકટની અસર સમગ્ર વિશ્વમાં અનુભવાશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પછી, પહેલેથી જ દબાણ હેઠળ રહેલી યુએસ અર્થવ્યવસ્થા પર વધુ દબાણ આવ્યું છે.
બ્રિજવોટર એસોસિએટ્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર રે ડાલિયોએ ચેતવણી આપી હતી કે અમેરિકા તેના વધતા દેવાને કારણે માંગ-પુરવઠાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહયું છે. આ પરિસ્થિતિ વૈશ્વિક આર્થિક પરિણામો પર ઊંડી અસર કરી શકે છે. ડાલિયોએ આ મુદ્દા પર ભાર મૂક્યો અને કહયું કે અમેરિકાને મોટી રકમનું દેવું વેચવાની જરૂર છે, પરંતુ તેને ખરીદવા માટે પૂરતા ખરીદદારો નથી. તેમણે આ મુદ્દાને અત્યંત મહત્વપૂર્ણ અને તાત્કાલિક કટોકટી ગણાવ્યો.
ડાલિયોએ કહયું કે અમેરિકાની ખાધ હાલમાં GDPના ૭.૨ ટકા છે, જેને લગભગ ૩ ટકા ઘટાડવાની જરૂર છે. આ એક મોટી વાત છે. તમે જોશો કે આ કેવી રીતે હેન્ડલ કરવામાં આવશે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું આનાથી કટોકટી થઈ શકે છે, ત્યારે તેમણે સૂચવ્યું કે સંભવિત પરિણામોમાં દેવાનું પુનર્ગઠન, અમેરિકા દ્વારા અન્ય દેશો પર તેનું દેવું ખરીદવા માટે દબાણ કરવું અથવા કેટલાક લેણદાર દેશોને ચૂકવણીમાં ઘટાડો કરવો શામેલ હોઈ શકે છે.
ડાલિયોએ ૧૯૩૦ ના દાયકામાં જર્મનીની આર્થિક નીતિઓનું ઉદાહરણ આપ્યું, જ્યાં સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવા માટે દેવા રાહત, ટેરિફ વધારો અને સંરક્ષણવાદી નીતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમણે દલીલ કરી હતી કે આજે પણ સમાન પેટર્ન જોવા મળે છે, જ્યાં વધતો રાષ્ટ્રવાદ, સંરક્ષણવાદ અને ભૂ-રાજકીય તણાવ વૈશ્વિક આર્થિક નીતિઓને આકાર આપી રહયા છે. આખી દુનિયાને આના પરિણામો ભોગવવા પડી શકે છે.
ડાલિયોએ વેપાર વિવાદો વધવાના સંભવિત પરિણામો વિશે પણ ચેતવણી આપી હતી. તેમણે કહયું કે ટેરિફ દેશો વચ્ચે સંઘર્ષ વધારી શકે છે. ફક્ત લશ્કરી સંઘર્ષની વાતો જ નુકસાન પહોંચાડે તે જરૂરી નથી. યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, મેક્સિકો અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધ જેવા આર્થિક યુદ્ધો પણ સમગ્ર વિશ્વમાં ગંભીર પરિણામો લાવી શકે છે. તેથી દરેક વ્યક્તિએ આ આર્થિક અને ભૂ-રાજકીય તણાવો પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે તે અણધાર્યા અને વિક્ષેપકારક ફેરફારો લાવી શકે છે.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
