<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

છત્રપતિ સંભાજીનગરમાં ગોઝારો અકસ્માતઃ શેરડીથી ભરેલી ટ્રક પલ્‍ટી જતા ૬ મજુરોના કમકમાટી ભર્યા મોતઃ ૧૧ મંજુરો ઇજાગ્રસ્‍ત

ઓવરલોડિંગને કારણે ટ્રક રોડ પર પલટી ગઈ હતી અને મજૂરો દટાઈ ગયા હતા.


મુંબઈઃ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં 6 મજૂરોએ જીવ ગુમાવ્યા હતા. અહીંના કન્નડ પિશોર ઘાટ પર રવિવારે મોડી રાત્રે શેરડીથી ભરેલી  ટ્રક અચાનક પલટી ગઈ હતી. શેરડીની ટ્રક પર બેઠેલા 17 મજૂરો ઘાટ પાસે રોડ પર પડી ગયા અને ટ્રકમાં ભરેલી શેરડી તે મજૂરો પર પડી હતી. 6 મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને 11 મજૂરો સારવાર હેઠળ છે.
પિશોર પોલીસ ઈન્સ્પેક્ટર રંગરાવ સાનપે જણાવ્યું કે રવિવારે મધરાતે શેરડીથી ભરેલી ટ્રક પિશોરથી કન્નડ જઈ રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી. રસ્તામાં એક ઘાટ પાસે શેરડી ભરેલી ટ્રક અચાનક પલટી ગઈ હતી. તેના પર 17 જેટલા મજૂર બેઠા હતા. ઓવરલોડિંગને કારણે ટ્રક રોડ પર પલટી ગઈ હતી અને મજૂરો દટાઈ ગયા હતા.
પોલીસને આ ઘટનાની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મજૂરો પર પડેલી શેરડીને હટાવી હતી. પરંતુ ત્યાં સુધીમાં શેરડીની નીચે દટાઈ જવાથી છ કમનસીબ મજૂરોના મોત થયા હતા, જ્યારે 11 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને ચાલીસ ગામ અને છત્રપતિ સંભાજીનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલ પિશોર પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને મજૂરોના આધાર કાર્ડ પરથી ઓળખ કરીને પરિવારોને જાણ કરવામાં આવી રહી છે.


 

(10:41 AM IST)