<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

ચીનમાં એક કંપનીના મેનેજરે ૧૯ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યુ

રર ભૂતિયા કર્મચારીઓનો રેકોર્ડ બનાવી તેમના નામે પગાર અને નિવૃતિ ભથ્‍થાની રકમ પણ ચાઉ કરી ગયોઃ આ કૌભાંડની ૮ વર્ષ પછી ખબર પડી

શાંઘાઇ, 14 માર્ચઃ ચીનના શાંઘાઈ શહેરમાં એક HR મેનેજરે તેની કંપનીમાંથી લગભગ 16 મિલિયન યુઆન એટલે કે લગભગ 19 કરોડ રૂપિયાની જંગી રકમની ચોરી કરવાનું ચોંકાવનારું કૌભાંડ આચર્યું છે. આ માટે તેણે 22 ભૂતિયા કર્મચારીઓનો રેકોર્ડ બનાવ્યો હતો અને તેમના નામે પગાર અને નિવૃત્તિ ભથ્થાની રકમની ઉચાપત કરી છે. આ કૌભાંડની 8 વર્ષ પછી ખબર પડી છે અને અંતે તેને 2022માં પકડી પાડવામાં આવ્યો હતો.

યાંગ નામનો આ HR મેનેજર એક ટેક કંપનીમાં કામચલાઉ કામદારોના પગાર અને ચુકવણીનું કામ સંભાળતો હતો. તેણે જોયુ કે કંપનીમાં દેખરેખનો અભાવ છે અને કર્મચારીઓની નિમણૂક અને પગાર ચૂકવણી પર તેનો સંપૂર્ણ અંકુશ છે. આનો ફાયદો ઉઠાવીને તેણે નકલી કર્મચારીનો રેકોર્ડ બનાવ્યો હતો, જેનું નામ ‘સન’ હતું. યાંગે સનના નામે પગાર માટે અરજી કરી અને તેના નિયંત્રણ હેઠળના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હતા. જ્યારે લેબર સર્વિસ કંપનીએ સન દ્વારા પગાર ન ચૂકવવા અંગે તપાસ કરી ત્યારે યાંગે ટેક કંપનીને દોષી ઠેરવ્યો હતો.

તપાસમાં જાણવા મળ્યું કે ચીનના યાંગે 2014થી અત્યાર સુધીમાં 22 નકલી કર્મચારીઓના રેકોર્ડ બનાવ્યા છે. આ ‘ભૂતિયા કર્મચારીઓ’ના નામે તેણે કુલ 16 મિલિયન યુઆન (લગભગ 19 કરોડ રૂપિયા)ની ચોરી કરી હતી.

2022માં, ચીનની ટેક કંપનીના નાણા વિભાગને શંકા થઈ કે સનનો હાજરીનો રેકોર્ડ પરફેક્ટ છે અને તેને હંમેશા તેનો પગાર સમયસર મળતો હતો, પરંતુ તે ક્યારેય ઓફિસમાં જોવા મળ્યો ન હતો. આ પછી અધિકારીઓને જાણ કરવામાં આવી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે યાંગે 8 વર્ષથી નકલી હાજરી રેકોર્ડ અને બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા આ કૌભાંડ કર્યું હતું. યાંગને ભ્રષ્ટાચારના આરોપમાં 10 વર્ષ અને 2 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. એક વર્ષ માટે તેમના રાજકીય અધિકારો પણ છીનવી લેવામાં આવ્યા હતા અને તેમને દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

યાંગને ચોરેલી રકમમાંથી 1.1 મિલિયન યુઆન (આશરે રૂ. 1.52 કરોડ) પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જ્યારે તેના પરિવારને 1.2 મિલિયન યુઆન (આશરે રૂ. 1.66 કરોડ) પરત કરવા કહેવામાં આવ્યું હતું.

આ મામલો માર્ચમાં ચાઇનીઝ મીડિયામાં સામે આવ્યો હતો, જેણે સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યું હતું. લોકોએ આ કૌભાંડ અંગે આશ્ચર્ય અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. એક યુઝરે લખ્યું હતુ કે , “લેબર સર્વિસ કંપનીની પેરોલ સિસ્ટમ એટલી નબળી હતી કે યાંગ જેવા લોકોએ તેનો ફાયદો ઉઠાવ્યો છે.” અન્ય એક યૂઝરે કહ્યું કે, “યાંગે એક મોટી છેતરપિંડી કરી છે! જ્યારે વાસ્તવિક કર્મચારીઓ પગાર વિના પરેશાન હતા ત્યારે તેણે આટલા પૈસા ચોર્યા છે ત્યારે તેને શરમ આવવી જોઈએ.”

(1:44 PM IST)