<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

રાજકોટ બિલ્ડિંગ અગ્નિકાંડ: 'બપોરે ઘરે આવું છું સાથે જમીશું' કહીં ફૂડનું પાર્સલ આપવા ગયેલા ડિલિવરી બૉયનું મોત: પત્નીનું હૈયાફાટ રુદન

તહેવાર હોવાથી મેં તેમને કામ પર જવાની ના પાડી હતી, પરંતુ તેઓ માન્યા નહીં અને બપોરે આવું કહીને ગયા હતા: પત્ની

રાજકોટ :શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ એટલાન્ટિસ બિલ્ડિંગના છઠ્ઠા માળે આજે સવારના સમયે શોર્ટ સર્કિટના કારણે લાગેલી વિકરાળ આગ ભારે જહેમત બાદ કાબુમાં આવી ગઈ છે. આ અગ્નિકાંડમાં બિલ્ડિંગમાં ફસાયેલા 40થી વધુ લોકોને ફાયર બ્રિગેડની ટીમે હાઈડ્રોલિક ક્રેઈનની મદદથી નીચે ઉતારીને બચાવી લીધા હતા. જ્યારે ડિલિવરી બૉય અજય મકવાણા સહિત 3 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. મૃતકો પૈકી અજયભાઈના મોતના સમાચાર સાંભળીને તેમની પત્ની ભાંગી પડી હતી.

હકીકતમાં શહેરના વીરસાવરકરનગરમાં પત્ની અને 3 વર્ષની દીકરી સહિતના પરિવાર સાથે રહેતા અજય મકવાણા (31) સ્વિગીમાં ફૂડ ડિલિવરી બૉય તરીકે કામ કરતાં હતા. આજે તેઓ ફૂડનું પાર્સલ ડિલિવર કરવા માટે એટલાન્ટિસ બિલ્ડિંગમાં ગયા હતા, જ્યાં આગની ઝપેટમાં આવી જતાં તેઓ મોતને ભેટ્યા હતા.

 

પતિના મોતના સમાચાર સાંભળીને ભાંગી પડેલી પત્નીએ કહ્યું કે, આજે તહેવાર હોવાથી મેં તેમને કામ પર જવાની ના પાડી હતી, પરંતુ તેઓ માન્યા નહીં અને રજા ના રાખી. તેઓ 'બપોરે આવું પછી આપણે સાથે જમીશું' કહીને ગયા હતા, પણ તે આવી રીતે આવશે, તેની મને ક્યાં ખબર હતી.

હોસ્પિટલમાં અજય મકવાણાના પત્નીના આક્રંદને જોતા વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. જ્યારે અન્ય એક મહિલા તેમને સાંત્વના આપતા જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે, એટલાન્ટિસ બિલ્ડિંગમાં રાજકોટના નામાંકિત જ્વેલર્સના માલિકો તેમજ તબીબોનો પરિવાર રહે છે. આજે સવારે છઠ્ઠા માળે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સર્જાઈ હતી. આ બનાવમાં 3ના મોત થયા છે, જ્યારે એક દાઝી જતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે કલેક્ટર અને DCP સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા.

(9:10 PM IST)