News of Sunday, 16th March 2025
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં સેન્ટ્રલ બૅન્કમાં ભયાનક આગઃ લાખોની રોકડ અને દસ્તાવેજો બળીને ભસ્મીભૂત
બૅન્ક ખુલ્યાના થોડા સમય પછી ઍર કન્ડીશનર (એસી)માં શોર્ટ સર્કિટ થયો હતો જેને કારણે આગ લાગી હોવાની આશંકા છે. આગ એટલી ભીષણ હતી કે તેણે આખા બૅન્કમાં તે ફેલાઈ ગઈ હતી. આગ લાગતાની સાથે જ બૅન્કના કર્મચારીઓ ગભરાઈને બહાર દોડી ગયા

મુંબઇઃ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં એક બૅન્કને આગ લાગતા તેમાં રાખવામાં આવેલા જરૂરી કાગળપત્રો સહિત લાખો રૂપિયાની રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ હોવાની ચોંકાવનારી માહિતી મળી રહી છે. અમરાવતી જિલ્લામાં ચંદુર રેલવે ખાતે આવેલી સેન્ટ્રલ બૅન્કમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં બૅન્કમાં રાખેલા લાખોની રોકડ રકમ અને મહત્ત્વના દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા હોવાના પણ અહેવાલ છે. આ ઘટનાથી પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો, જોકે સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મળેલી માહિતી મુજબ, બૅન્ક ખુલ્યાના થોડા સમય પછી ઍર કન્ડીશનર (એસી)માં શોર્ટ સર્કિટ થયો હતો જેને કારણે આગ લાગી હોવાની આશંકા છે. આગ એટલી ભીષણ હતી કે તેણે આખા બૅન્કમાં તે ફેલાઈ ગઈ હતી. આગ લાગતાની સાથે જ બૅન્કના કર્મચારીઓ ગભરાઈને બહાર દોડી ગયા. કોઈ જાન કે માલનું નુકસાન થયું ન હતું. આગની માહિતી મળતાં જ ચાંદુર રેલવે ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો.
ત્યારબાદ ફાયર બ્રિગેડે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. પરંતુ આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેવી મુશ્કેલ બની ગઈ. પરિસ્થિતિની ગંભીરતા જોઈને, ધામણગાંવ અને તિવાસા અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી પણ ફાયર એન્જિનો બોલાવવામાં આવ્યા હતા. બૅન્કમાં આગ જોયા બાદ સ્થાનિક નાગરિકોની મોટી ભીડ વિસ્તારમાં એકઠી થઈ ગઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લાવવાની જવાબદારી પોલીસે પણ લેવી પડી.
આ કેસમાં ચંદુર રેલવે પોલીસ સ્ટેશનના SHO અજય અખારીએ જણાવ્યું હતું કે બૅન્કમાં રહેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે. બૅન્ક વહીવટીતંત્ર તરફથી હજી સુધી કોઈ લેખિત માહિતી કે ફરિયાદ મળી નથી. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, આગમાં લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો છે. બૅન્કના વરિષ્ઠ અધિકારીઓ હાલમાં આ મામલાની તપાસ કરી રહ્યા છે. આગનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી શકે છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
