<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

સાથીના મૃત્યુનો શોક: મૃત સાથી મિત્રનો સાથ છોડવા હાથી તૈયાર નથી :હૃદયદ્રાવક દૃશ્યનો જુઓ વિડિઓ

મેગ્ડાએ પોતાની સૂંઢ જેનીની ફરતે વીંટાળી દીધી હતી. મેગ્ડાને ત્યાંથી હટાવવાની કોશિશ કરાય છે, પણ મેગ્ડા જવા તૈયાર નથી થતી.

નવી દિલ્હી : એક વાયરલ વીડિયોમાં એક હાથી જમીન પર નિષ્પ્રાણ પડેલો દેખાય છે અને બીજો હાથી તેના સાથીના મૃત્યુનો શોક વ્યક્ત કરતો દેખાય છે. બે હાથીઓનો આ વીડિયો રશિયાનો છે અને સર્કસમાં 25 વર્ષ સુધી સાથે કામ કરનાર એ બે હાથીઓના નામ છે ‘જેની’ અને ‘મેગ્ડા’.

આ અઠવાડિયાની શરૂઆતમાં જેની અચાનક પડી ગઈ હતી અને મોતને ભેટી હતી. એના મૃત્યુથી મેગ્ડા વ્યથિત થઈ ગઈ હતી. વીડિયોમાં દેખાય છે કે મેગ્ડા તેની મિત્રને જગાડવા માટે તેને ધક્કા મારે છે. અનેક પ્રયાસો પછી પણ જ્યારે જેની પ્રતિભાવ નથી આપતી ત્યારે મેગ્ડાએ પોતાની સૂંઢ જેનીની ફરતે વીંટાળી દીધી હતી. મેગ્ડાને ત્યાંથી હટાવવાની કોશિશ કરાય છે, પણ મેગ્ડા જવા તૈયાર નથી થતી.

અહેવાલો અનુસાર, મેગ્ડા કલાકો સુધી જેનીની પાસે રહી હતી, તેણે પશુચિકિત્સકોને પણ જેનીની નજીક આવતા અટકાવ્યા હતા. પોતાની મિત્ર પ્રત્યે મેગ્ડાનો લાગણીભર્યો વ્યવહારવાળો વીડિઓ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ લાગણીશીલ થઈ ગયા હતા

 

X પર એક યુઝરે લખ્યું હતું કે, ‘યાદ છે? આ બંને એ જ હાથીઓ છે જેમની વચ્ચે 2021 માં કઝાનમાં જોરદાર લડાઈ થઈ હતી અને એ બંને સમાચારોમાં ચમક્યા હતાં. તેમની વચ્ચે લડાઈની બે ઘટનાઓ નોંધાયા પછી તેમને તે જ વર્ષે નિવૃત્ત કરવામાં આવ્યા હતાં.’ 

બીજા યુઝરે લખ્યું હતું કે, ‘કેટલું હૃદયદ્રાવક! હાથીઓ વચ્ચે ઊંડા ભાવનાત્મક બંધનો હોય છે. મેગ્ડા જેનીને છોડવા ઈનકાર કરે છે, જે દર્શાવે છે કે તેમની વચ્ચે કેટલું મજબૂત જોડાણ હતું. પ્રાણીજગતના સાચા સ્નેહનું ઉદાહરણ.’ 

અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ‘માનવીઓ ઉપરાંત જે અમુક સસ્તન પ્રાણીઓ દફનવિધિ કરતા હોય છે એમાંના એક હાથી છે. તેઓ તેમના મૃત પ્રિયજનોના શરીરને ઝાડની ડાળીઓથી ઢાંકી દે છે.’

એક મહિલાએ ભાવુક થતાં લખ્યું હતું કે, ‘આ જોવું હૃદયદ્રાવક લાગે છે! 25 વર્ષનો સહવાસ એ ઘણો લાંબો સમય છે. મારા પતિ અને મને સાથે રહેતાં 45 વર્ષ થઈ ગયા છે. આ કરુણાસભર દૃશ્ય જોઈને મને અમે બંનેએ સાથે પસાર કરી હોય એવી ઘણી બધી ક્ષણો યાદ આવે છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, મેગ્ડા અને જેનીને ક્રિમીઆમાં નિવૃત્તિ આપવામાં આવી હતી. ત્યારથી બંને વચ્ચે પાકી દોસ્તી થઈ ગઈ હતી, જે જેનીના અવસાન સુધી ટકી રહી હતી.

 

(8:06 PM IST)