<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

‘જો કબર નહીં હટાવાય તો બાબરી જેવું થશે...' બજરંગ દળ-VHPની ધમકી

ઔરંગઝેબની કબરની સુરક્ષામાં કરાયો વધારો

મુંબઇ,તા.૧૭: મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર હટાવવા અંગે મહારાષ્‍ટ્રમાં ચાલી રહેલો વિવાદ સમાપ્ત થવાનું નામ લઈ રહ્યો નથી. આ મામલે, વિશ્વ હિન્‍દુ પરિષદ (VHP) અને બજરંગ દળે સોમવારે (૧૭ માર્ચ) મહારાષ્‍ટ્રમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. હિન્‍દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ ઔરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

VHP-બજરંગ દળે મહારાષ્‍ટ્ર સરકારને ધમકી આપતા કહ્યું કે, જો ઔરંગઝેબની કબર દૂર કરવામાં વિલંબ થશે તો તેઓ બાબરી જેવી કાર સેવા કરશે. હિન્‍દુ સંગઠનોની ચેતવણી બાદ, ઔરંગઝેબના મકબરા પાસે સ્‍ટેટ રિજર્વ પોલીસ દળ તૈનાત કરવામાં આવ્‍યું છે.

વિશ્વ હિન્‍દુ પરિષદના મહારાષ્‍ટ્ર-ગોવા પ્રદેશના વડા ગોવિંદ શેંડેએ રવિવારે સમાચાર એજન્‍સી IANS સાથે વાત કરતા કહ્યું કે, કેટલાક લોકો ઔરંગઝેબના વખાણ કરવામાં વ્‍યસ્‍ત છે. ઔરંગઝેબે દેશ પર ઘણા અત્‍યાચાર કર્યા હતા. તેઓએ હિન્‍દુઓ પર અત્‍યાચાર ગુજાર્યા હતા. તેના પિતા પર ત્રાસ ગુજાર્યો હતો. આવા ક્રૂર વ્‍યક્‍તિનો કોઈ પણ નિશાની આ ભારતમાં હવે સહન કરવામાં આવશે નહીં. તેથી, અમે સરકારને અપીલ કરીએ છીએ કે, તેઓ હિન્‍દુઓની લાગણીઓને સમજે અને ઔરંગઝેબની કબર ત્‍યાંથી દૂર કરે.

VHP નેતા કિશોર ચૌહાણ, બજરંગ દળના નેતા નીતિન મહાજન, સંદેશ ભેગડેએ પુણેમાં એકપ્રેસ કોન્‍ફરન્‍સમાં કહ્યું હતું કે, ટૂંક સમયમાં મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસને એક મેમોરેન્‍ડમ સુપરત કરવામાં આવશે, જેમાં કબર દૂર કરવાની માંગ કરવામાં આવશે. તેમણે ચેતવણી આપી હતી કે, જો સરકારે તેમની વાત નહીં સાંભળી તો બાબરીની જેમ જ કાર સેવા કરવામાં આવશે. વીએચપી અને બજરંગ દળે સોમવારે (૧૭ માર્ચ) રાજ્‍યવ્‍યાપી આંદોલન કરવાની જાહેરાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતાઓએ પણ હિન્‍દુ સંગઠનોને ટેકો આપ્‍યો છે.

મહારાષ્‍ટ્ર કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકલએ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસની સરખામણી મુઘલ શાસક ઔરંગઝેબ સાથે કરી છે. તેમણે સીએમ ફડણવીસને મુઘલ શાસક જેટલા ક્રૂર ગણાવ્‍યા હતા. સપકલે કહ્યું હતું કે, ઔરંગઝેબે પોતાના પિતાને કેદ કર્યા, પોતાના મોટા ભાઈની હત્‍યા કરી અને તેનું માથું કાપીને આખી દિલ્‍હીમાં ફેરવ્‍યું હતું. નાના ભાઈને પાગલ જાહેર કરીને મારી નાખવામાં આવ્‍યો હતો. તે સમયાંતરે ફક્‍ત ધર્મનો ઉપયોગ કરતો હતો, તે કયારેય હજ માટે પણ ગયો ન હતો. ઔરંગઝેબે ધર્મનો ઉપયોગ ફક્‍ત પોતાના સ્‍વાર્થ માટે કર્યો હતો. આજના સમયમાં, દેવેન્‍દ્ર ફડણવીસ પણ એટલા જ ક્રૂર છે. તે હંમેશા ધર્મનો સહારો લે છે. બીજી તરફ, ભાજપ દ્વારા આ નિવેદનની નિંદા કરવામાં આવી હતી અને તેને ખોટું નિવેદન કહેવામાં આવ્‍યું હતું.

મહારાષ્‍ટ્રમાં ઔરંગઝેબ અંગે વિવાદ ત્‍યારે થયો જ્‍યારે સપાના ધારાસભ્‍ય અબુ આઝમીએ મુઘલ શાસકની પ્રશંસા કરી હતી. ઔરંગઝેબના વખાણ કરવા બદલ અબુ આઝમીને વિધાનસભા સત્રમાંથી સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા હતા. હાલમાં, અબુ આઝમી જામીન પર બહાર છે અને પોલીસ કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, વિવાદિત માળખાને તોડી પાડવા માટે દેશભરમાંથી બે લાખથી વધુ લોકો અયોધ્‍યા પહોંચ્‍યા હતા. અહીં પહોંચેલા લોકોને કાર સેવકો કહેવામાં આવતા હતા. હવે વિશ્વ હિન્‍દુ પરિષદ (VHP) અને બજરંગ દળે જાહેરાત કરી છે કે, જો ઔરંગઝેબની કબર નહીં હટાવવામાં આવે તો કાર સેવા કરવામાં આવશે.

(3:36 PM IST)