<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

કબર બહાદુરીનું પ્રતીક, ક્યારેય ન તૂટવી જોઈએ

સંજય રાઉતના નિવેદન પર નવો વિવાદઃવિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ સોમવારે જાલનામાં જિલ્લા કલેક્ટર કાર્યાલય સામે પ્રદર્શન કર્યું

મુંબઈ, તા.૧૭

ઔરંગઝેબની કબરને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. જેની ગરમી દેશભરમાં અનુભવાઈ રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત અનેક હિન્દુ સંગઠનો ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગ કરી રહ્યા છે. આ માટે વિરોધ પ્રદર્શનો પણ યોજાઈ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી પક્ષો કહી રહ્યા છે કે, આ વાતાવરણ બગાડવાનું કૃત્ય થઈ રહ્યું છે. આ દરમિયાન, સોમવારે શિવસેના (UBT) ના નેતા સંજય રાઉતે ઔરંગઝેબની કબરને બહાદુરીનું પ્રતીક ગણાવ્યું અને કહ્યું કે, તેને તોડવી ન જોઈએ. જણાવી દઈએ કે, અન્ય નેતાઓએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

સોમવારે સંજય રાઉતે કહ્યું કે, *આ ઔરંગઝેબની કબર છે. તે બહાદુરીનું પ્રતીક છે. તેને ક્યારેય તોડવું ન જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજે ઔરંગઝેબ સાથે આટલું મોટું યુદ્ધ લડ્યું. તેમના પછી પણ ઔરંગઝેબ ૨૫ વર્ષ સુધી લડતો રહ્યો, પણ ક્યારેય જીતી શક્યો નહીં. ઔરંગઝેબની કબર મહારાષ્ટ્રમાં છે. તે મરાઠાઓની બહાદુરીનું પ્રતીક છે.*

સંજય રાઉતે વધુમાં કહ્યું કે, ભલે તે ઔરંગઝેબનો મકબરો હોય કે અફઝલ ખાનનો, તે મરાઠાઓની બહાદુરીનું સ્મારક છે. આવનારી પેઢીઓને ખબર હોવી જોઈએ કે, શિવાજી મહારાજ અને મરાઠાઓએ આક્રમક દુશ્મનો સામે કેવી રીતે લડ્યા હતા, પરંતુ તેઓ મરાઠાઓને હરાવી શક્યા નહીં. આ ઇતિહાસ છે અને તે આમ જ રહેવો જોઈએ.

સંજય રાઉતના નિવેદન પર કોંગ્રેસ પૂર્વ નેતા પ્રમોદ કૃષ્ણમનું નિવેદન પણ સામે આવ્યું છે. પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે, સંજય રાઉત રાહુલ ગાંધી સાથે મળીને આ દેશને તોડવાનું કાવતરું ઘડી રહ્યા છે. તેઓ બીજું પાકિસ્તાન બનાવવા માંગે છે અને રાહુલ ગાંધીને તેના વડા પ્રધાન બનાવવા માંગે છે.

બીજી તરફ, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ સોમવારે જાલનામાં જિલ્લા કલેક્ટર કાર્યાલય સામે પ્રદર્શન કર્યું અને ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગ કરી હતી. તેમણે જિલ્લા કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને એક આવેદનપત્ર સુપરત કર્યું છે. મહારાષ્ટ્રના જાલનામાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી અતુલ ઉપાધ્યાયે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ઔરંગઝેબ એક ક્રૂર શાસક હતો. એટલા માટે આ ધરતી પર તેમની કબરની જરૃર નથી. જિલ્લા કલેક્ટર દ્વારા સીએમ દેવેન્દ્ર ફડણવીસને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે, જેમાં અમે ઔરંગઝેબની કબરને શક્ય તેટલી વહેલી તકે તોડી પાડવાની માંગ કરી છે.

જણાવી દઈએ કે, ઔરંગઝેબની કબર હટાવવાની માંગ પર મહારાષ્ટ્ર-ગોવા વિશ્વ હિન્દુ પરિષદના વિસ્તાર પ્રમુખ ગોવિંદ શેંડેએ રવિવારે કહ્યું હતું કે, કેટલાક લોકો ઔરંગઝેબના વખાણ કરવામાં વ્યસ્ત છે. હું કહેવા માંગુ છું કે, તે દેશનો પ્રતિક ન હોઈ શકે. ઔરંગઝેબે દેશ પર ઘણા અત્યાચાર કર્યા હતા. તેઓએ હિન્દુઓ પર અત્યાચાર ગુજાર્યા હતા. તેના પિતા પર ત્રાસ ગુજાર્યો હતો. આવા ક્રૂર વ્યક્તિનું કોઈપણ પ્રતીક હવે આ દેશમાં સહન કરવામાં આવશે નહીં. તેથી, અમે સરકારને અપીલ કરીએ છીએ કે, તેઓ હિન્દુઓની લાગણીઓને સમજે અને ઔરંગઝેબની કબર ત્યાંથી દૂર કરે.

(10:17 PM IST)