<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

ચંદ્રયાન-૫ને કેન્દ્રની મંજૂરીઃ ચંદ્ર પર ઉતરશે અઢીસો કિલોનું રોવર

જાપાન પણ કરશે મદદઃચંદ્રયાન-૫માં હવે ૨૫૦ કિલોનું રોવર મોકલવામાં આવશે ઃ આ રોવર ચંદ્રની સપાટીનું ખૂબ જ ચીણવટ ભરેલું રિસર્ચ કરશે

નવી દિલ્હી, તા.૧૭

ચંદ્રને એક્સપ્લોર કરવા માટે સરકારે ચંદ્રયાન-૫ માટે પરવાનગી આપી દીધી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન વી. નારાયણન દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. ચંદ્રયાન-૩માં પ્રયાગયાન નામનું રોવર મોકલવામાં આવ્યું હતું, જેનું વજન ૨૫ કિલોગ્રામ હતું. પરંતુ ચંદ્રયાન-૫માં હવે ૨૫૦ કિલોગ્રામનું રોવર મોકલવામાં આવશે. આ રોવર ચંદ્રની સપાટીનું ખૂબ જ ચીણવટ ભરેલું રિસર્ચ કરશે. વી. નારાયણને જણાવ્યું કે, 'ત્રણ દિવસ પહેલાં જ અમને ચંદ્રયાન-૫ માટે પરવાનગી મળી છે. અમે આ મિશન જાપાન સાથે મળીને કરીશું.' ચંદ્રયાન મિશન ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. ભારતનું પહેલું ચંદ્રયાન-૧ ૨૦૦૮માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે સમયે ચંદ્રનું કેમિકલ, મિનરલોજિકલ અને ફોટો-જીયોલોજિકલ મેપિંગ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-૨ ૨૦૧૯માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ફાઇનલ સ્ટેજમાં થોડી મુશ્કેલીઓ છતાં આ મિશનમાં ૯૮% સફળતા મળી હતી. ૨૦૨૩ની ૨૩મી ઓગસ્ટે ભારતે ચંદ્રયાન-૩ને ચંદ્રના સાઉથ પોલમાં ઉતાર્યું હતું. આ મિશન માટે ભારત માટે આ વિસ્તારના પ્રથમ રોવર સપાટી પર ઉતરવાનું ગૌરવ હતું. આ રોવર પૃથ્વી પરના ૧૪ દિવસ સુધી કાર્યરત રહ્યું હતું.

ISRO હાલના સમયમાં ચંદ્રયાન મિશન પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ચંદ્રયાન-૪ મિશનને ૨૦૨૭માં લોન્ચ કરવામાં આવશે. આ મિશનમાં ચંદ્ર પરથી નમૂનાઓ લાવવામાં આવશે. ISRO ગંગયાનનું પણ પ્લાનિંગ કરી રહ્યું છે. એટલું જ નહીં, ISRO દ્વારા હવે ભારતીય અંતરીક્ષ સ્ટેશન પણ બનાવવામાં આવશે. ચંદ્રયાન-૫ બાદ ભારત ચંદ્રયાન-૬ પર કાર્ય કરશે. ૨૦૩૫ સુધીમાં ભારતનો સ્પેસ સેક્ટર ૪૪ બિલિયન અમેરિકન ડોલરનું બની જશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ચંદ્રયાન-૩ દ્વારા ભારતને ઘણી સફળતા મળી હતી. તે સમયે રોવરનું વજન ફક્ત ૨૫ કિલોગ્રામ હતું. જોકે, હવે ભારત ચંદ્ર પર વધુ ગંભીરતાપૂર્વક અભ્યાસ કરવાની આશા રાખે છે. આ માટે વૈજ્ઞાનિક ટેક્નોલોજીનો વધુ સારી રીતે ઉપયોગ કરવા અને વધુ ઊંડાણપૂર્વક શોધખોળ માટે જાપાન સાથે સહકાર શરૃ કર્યો છે. તેમની મદદથી ભારત હવે ચંદ્ર પર ૨૫૦ કિલોગ્રામનું રોવર લેન્ડ કરશે.

(10:29 PM IST)