News of Tuesday, 18th March 2025
૧૮૬૧ MLA સામે કેસ, ૧૨૦૫ સામે હત્યા સહિતના ગુના
ADRના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસોઃ આંધ્રમાં સૌથી વધુ ફોજદારી કેસ

નવી દિલ્હી,તા.૧૮: એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ દેશભરના રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વર્તમાન ધારાસભ્યોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે ૧૮૬૧ ધારાસભ્યોએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે. ઈલેક્શન મોનિટરિંગ એજન્સીએ ૨૮ રાજ્યની વિધાનસભાઓ અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોના ૪૧૨૩ ધારાસભ્યોમાંથી કુલ ૪૦૯૨ ધારાસભ્યોના સોગંદનામાઓનું વિશ્લેષણ કર્યું છે. ૨૪ ધારાસભ્યોના સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું નથી કારણ કે તેમના સોગંદનામા ખરાબ રીતે સ્કેન કરવામાં આવ્યા હતા અથવા વાંચી શકાય તેવા ન હતા. જ્યારે હાલમાં રાજ્ય વિધાનસભાઓમાં ૭ બેઠકો ખાલી છે.
ADRના અહેવાલ મુજબ ૪૦૯૨ ધારાસભ્યોમાંથી ૧૮૬૧ એટલે કે ૪૫ ટકા ધારાસભ્યોએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે. ૧૨૦૫ એટલે કે ૨૯ ટકા એવા ધારાસભ્યો છે જેમની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, મહિલાઓ વિરુદ્ધ ગુના જેવા ગંભીર કેસ નોંધાયેલા છે.
આંધ્રપ્રદેશમાં ફોજદારી કેસ ધરાવતા વર્તમાન ધારાસભ્યોની સંખ્યા સૌથી વધુ છે. અહીં ૧૭૪ ધારાસભ્યોમાંથી ૧૩૮ એટલે કે ૭૮ ટકા, કેરળના ૧૩૪ ધારાસભ્યોમાંથી ૯૩ એટલે કે ૬૯ ટકા, તેલંગાણાના ૧૧૯ ધારાસભ્યોમાંથી ૮૨ એટલે કે ૬૯ ટકા, બિહારના ૨૪૧ ધારાસભ્યોમાંથી ૧૫૮ એટલે કે ૬૬ ટકા, મહારાષ્ટ્રના ૨૮૬ ધારાસભ્યોમાંથી ૧૮૭ એટલે કે ૬૫ ટકા અને તમિલનાડુના ૨૨૪ ધારાસભ્યોમાંથી ૧૩૨ એટલે કે ૫૯ ટકાએ સોગંદનામામાં પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે.
પાર્ટી મુજબ ફોજદારી કેસની યાદીમાં ભાજપના ૧૬૫૩ ધારાસભ્યોમાંથી ૬૩૮ એટલે કે ૩૯ ટકા, કોંગ્રેસના ૬૪૬ ધારાસભ્યોમાંથી ૩૩૯ એટલે કે ૫૨ ટકા, ટીડીપીના ૧૩૪ ધારાસભ્યોમાંથી ૧૧૫ એટલે કે ૮૬ ટકા, ડીએમકેના ૧૩૨ ધારાસભ્યોમાંથી ૯૮ એટલે કે ૭૪ ટકા, એઆઈટીસીના ૨૩૦ ધારાસભ્યોમાંથી ૯૫ એટલે કે ૪૧ ટકા, આપના ૧૨૪ ધારાસભ્યોમાંથી ૬૯ એટલે કે ૫૬ ટકા અને સપાના ૧૧૦ ધારાસભ્યોમાંથી ૬૮ એટલે કે ૬૨ ટકા ધારાસભ્યોનો સમાવેશ થાય છે.(૪૦.૪)
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
