News of Tuesday, 18th March 2025
ભારતીય રેલવેનો ખર્ચ ૧.૩૮ રૂપિયા અને આવક ૭૨ પૈસા
રેલવેમાં મુસાફરો અને માલવાહક ટ્રાફિક બંનેમાં વૃદ્ધિ જોવા મળી રહી છે,૨૦૨૩-૨૪ દરમિયાન, ૨,૭૫,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચ સામે લગભગ ૨,૭૮,૦૦૦ કરોડ રૂપિયાની આવક : વૈષ્ણવે કહ્યું કે ભારતીય રેલ્વેની નાણાકીય સ્થિતિ સારી છે કોવિડ સંબંધિત પડકારોને સફળતાપૂર્વક પાર કર્યા છે

નવી દિલ્હી, તા.૧૮: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ભારતીય રેલ્વેની નાણાકીય સ્થિતિ સારી છે અને તેને સુધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપલા ગળહમાં રેલ્વે મંત્રાલયની કામગીરી પર ચર્ચાનો જવાબ આપતા વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલ્વેએ કોવિડ રોગચાળાને લગતા પડકારોને સફળતાપૂર્વક પાર કર્યા છે અને મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને મુસાફરો અને માલવાહક ટ્રાફિક બંનેમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે ૨૦૨૩-૨૪ દરમિયાન, ભારતીય રેલ્વે ૨,૭૫,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચ સામે લગભગ ૨,૭૮,૦૦૦ કરોડ રૂપિયાની આવક થઈ છે.
રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે ખર્ચના મુખ્ય ઘટકોમાં કર્મચારી ખર્ચ (રૂ. ૧,૧૬,૦૦૦ કરોડ), પેન્શન ચૂકવણી (રૂ. ૬૬,૦૦૦ કરોડ), ઊર્જા ખર્ચ (રૂ. ૩૨,૦૦૦ કરોડ) અને નાણાકીય ખર્ચ (રૂ. ૨૫,૦૦૦ કરોડ)નો સમાવેશ થાય છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે સારા પ્રદર્શનને કારણે, રેલ્વે તેની આવકમાંથી તેના ખર્ચાઓ પૂરા કરી રહી છે. તેમણે કહ્યું કે એકંદરે રેલવેની નાણાકીય સ્થિતિ સારી છે અને તેને સતત સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તેમણે ભાર મૂકયો કે રેલવે મુસાફરોના ભાડામાં સબસિડી આપે છે, જ્યારે નૂરમાંથી આવક મેળવે છે. તેમણે કહ્યું કે પ્રતિ કિલોમીટર વાસ્તવિક ખર્ચ રૂ. ૧.૩૮ છે જ્યારે મુસાફરો પાસેથી માત્ર ૭૨ પૈસા વસૂલવામાં આવે છે, જેના પરિણામે ૨૦૨૩-૨૪ માટે કુલ રૂ. ૫૭,૦૦૦ કરોડની પેસેન્જર સબસિડી થશે.
વૈષ્ણવે કહ્યું કે ભારતીય રેલ્વે ભાડું પડોશી દેશોની તુલનામાં સૌથી ઓછું છે. તેમણે કહ્યું કે જો આપણે ૩૫૦ કિમીની મુસાફરી જોઈએ તો ભારતમાં જનરલ ક્લાસનું ભાડું ૧૨૧ રૂપિયા છે. પાકિસ્તાનમાં તે ૪૦૦ રૂપિયા અને શ્રીલંકામાં ૪૧૩ રૂપિયા છે. તેમણે કહ્યું કે ૨૦૨૦ થી ભાડામાં કોઈ ફેરફાર થયો નથી. ઊર્જા ખર્ચ ૩૦,૦૦૦-૩૨,૦૦૦ કરોડ રૂપિયા પર સ્થિર રહ્યો છે અને ૨૦૧૯ પછી અમલમાં મુકાયેલી વીજળીકરણ પહેલથી રેલવેને નાણાકીય ફાયદો થયો છે.
મંત્રીએ મુસાફરો અને માલવાહક ટ્રાફિકમાં વળદ્ધિ સહિત અનેક સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં ભારતીય રેલ્વે ૧.૬ અબજ ટનની માલવાહક ક્ષમતા સાથે વિશ્વના ટોચના ત્રણ રેલ્વેમાં સામેલ થશે, જે ફક્ત ચીન અને અમેરિકાથી પાછળ રહેશે. તેમણે કહ્યું કે બિહારના માધૌરા ખાતે સ્થિત ફેક્ટરીમાં ઉત્પાદિત લોકોમોટિવ્સની નિકાસ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. (રર.૩)
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
