News of Tuesday, 18th March 2025
હોળી પર ગુલાલ લગાવવા આવેલા વૃદ્ધ વ્યક્તિને ભાજપ નેતાએ પગથી આશીર્વાદ આપતા પાર્ટીએ નોટિસ ફટકારી
વિડીયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહયો છે

નરસિંહપુર, તા.૧૮: મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના તેંદુખેડામાં નગર પંચાયતના અધ્યક્ષ વિષ્ણુ શર્માનો એક વીડિયો વાયરલ થયા બાદ વિવાદ ઉભો થયો છે. વીડિયોમાં શર્મા એક વ્યક્તિને લાત મારતો જોવા મળે છે. આ ઘટના હોળીના પ્રસંગે બની હતી, જ્યારે શર્માએ રજ્જન અગ્રવાલ નામના વ્યક્તિને લાત મારી હતી. આ મામલો વધુ વકર્યો છે અને ભાજપ જિલ્લા પ્રમુખ રામસ્નેહી પાઠકે તેને ગંભીરતાથી લઈને શર્માને નોટિસ ફટકારી છે અને જવાબ માંગ્યો છે.
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હોળી દરમિયાન લોકો એકબીજાને ગુલાલ લગાવી રહયા હતા, તે જ સમયે તેન્ડુખેડા નગર પંચાયતના પ્રમુખ વિષ્ણુ શર્માએ ગુલાલ લગાવી રહેલા રજ્જન અગ્રવાલને લાત મારી અને તે ઉભો થઈને ચાલ્યો ગયો.
વિષ્ણુ શર્માએ મીડિયા કેમેરા સામે આવવાનો ઇનકાર કર્યો, પરંતુ ફોન પર દાવો કર્યો કે રજ્જન તેનો બાળપણનો મિત્ર હતો. તેમણે કહયું, ‘‘તે નગર પંચાયતમાં મહિલાઓ અને કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કરી રહયો હતો, તેથી તેને રોકવા માટે આ કરવું પડયું.'' જોકે, પ્રશ્ન એ છે કે શું કોઈ જનપ્રતિનિધિએ આવું કામ કરવું જોઈએ?
ભાજપના જિલ્લા પ્રમુખ રામસ્નેહી પાઠકે જણાવ્યું હતું કે, ‘‘અમે આ બાબતને ગંભીરતાથી લીધી છે. પાર્ટી શિસ્તને ધ્યાનમાં રાખીને, વિષ્ણુ શર્માને નોટિસ જારી કરવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે. જો વીડિયો સાચો હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.''
આ પહેલા પણ શર્માનો બજારમાં રજ્જન અગ્રવાલને લાત મારવાનો વીડિયો વાયરલ થયો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે રજ્જન માનસિક રીતે અસ્થિર છે, પરંતુ જવાબદાર પદ સંભાળતી વ્યક્તિનું આવું વર્તન શંકાસ્પદ છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો શર્માના વર્તનની નિંદા કરી રહયા છે અને સવાલ ઉઠાવી રહયા છે કે શું કોઈ જનપ્રતિનિધિ માટે આ પ્રકારનું વર્તન કરવું યોગ્ય છે. કેટલાક યુઝર્સે તેને ‘કિક બ્લેસિસ' કહીને મજાક ઉડાવી છે
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
