<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

8મા પગાર પંચનો મુદ્દો સંસદમાં ઉઠ્યો: નાણામંત્રીએ આપ્યો જવાબ:કર્મચારીઓને 2026માં પગાર વધારો મળશે કે નહીં?

7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરો થશે . 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે કે નહીં? કર્મચારીઓમાં ચિંતાઓ

નવી દિલ્હી :કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચ માટે સમિતિની રચના થવાની રાહ જોઈ રહ્યા છે. જે 8મા પગાર પંચ માટે પગાર અને પેન્શન સુધારણા માટે અહેવાલ રજૂ કરશે. સરકાર આગામી મહિનામાં આ સંદર્ભમાં મહત્વની જાહેરાત કરી શકે છે.

 

જણાવી દઈએ કે, 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરો થવા જઈ રહ્યો છે, જેના કારણે 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે કે નહીં? તે અંગે કર્મચારીઓમાં ચિંતાઓ છે.

ભૂતકાળના અનુભવો મુજબ, અગાઉના પગાર પંચોએ પોતાનો રિપોર્ટ તૈયાર કરવા એક વર્ષથી વધુ સમય લીધો છે. આ સાથે જ, અત્યાર સુધી 8મા પગાર પંચ માટે સમિતિની રચના કરવાની જાહેરાત થઈ નથી, જેના કારણે વિલંબની શક્યતા વધી ગઈ છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા, 8મા પગાર પંચની ભલામણો નાણાકીય વર્ષ 2026-27માં લાગુ થઈ શકે છે.

 

ભાજપ સાંસદ કંગના રનૌત અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સજદા અહેમદે લોકસભામાં 8મા પગાર પંચની સમિતિની રચના પ્રક્રિયા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેઓએ પૂછ્યું કે, સરકારે અહેવાલ રજૂ કરવા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરી છે કે નહીં અને પગાર પંચના કાર્યક્ષેત્રની પ્રગતિ વિશે માહિતી માંગી.

 

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જવાબ આપતાં જણાવ્યું કે, રિપોર્ટ રજૂ કરવાની સમયમર્યાદા અને પગાર પંચના કાર્યક્ષેત્રની પ્રગતિ 'યોગ્ય સમયે' નક્કી કરવામાં આવશે.

 

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, 7મા પગાર પંચ સ્તરે, 1 માર્ચ 2025 સુધી કેન્દ્ર સરકારના નાગરિક કર્મચારીઓની સંખ્યા અંદાજે 36.57 લાખ છે, જ્યારે 31 ડિસેમ્બર 2024 સુધી પેન્શનરો અને પરિવાર પેન્શનરોની સંખ્યા 33.91 લાખ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સંરક્ષણ કર્મચારીઓ અને તેમના પેન્શનરોને પણ પગાર પંચની ભલામણોનો લાભ મળશે. જો કે, 8મા પગાર પંચની ભલામણો સરકાર દ્વારા મંજૂર થયા બાદ જ તેની નાણાકીય અસરનું મૂલ્યાંકન શક્ય થશે.

(1:04 PM IST)