<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

ર૩મી એ રવિવારે સાણંદમાં ભવ્‍ય વીરાંજલિ કાર્યક્રમ યોજાશેઃશહીદ ભગતસિંઘ, સુખદેવ અને રાજગુરુના પરિવારજનોની ઉપસ્‍થિતી : જુઓ વિડિયો

‘‘હમારી લાશ પર હોંગે, હર બરસ મેલે, વતન પર મર મિટને વાલો કા, યહી નામો નિશાન હોગા...'' : સાંઇરામ દવે લિખીત અને અભિનીત ‘વિરાંજલી' મલ્‍ટીમિડીયા શો નો બીજા ભાગમાં ૧૦૦થી વધુ રંગભૂમિના કલાકારો દ્વારા ઉજવાશે

રાજકોટઃ ૨૩મી માર્ચ ૧૯૩૧ હસતાં મોઢે ફાંસી પર ચડનારા ભગતસિંઘના આ આખરી શબ્‍દો હતા. અંગ્રેજોએ ભગતસિંહસંધુ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને ૨૩મી માર્ચે સાંજે સાડા સાત કલાકે આજથી ચોરાણું વરસ પહેલા ફાંસી આપી હતી. જેની યાદમાં આ દિવસ ‘શહિંદ દિન' તરીકે ઉજવાય છે. છેલ્લા સત્તર વરસથી પ્રદિપસિંહ વાઘેલાની પ્રેરણાથી બકરાણા અને સાણંદ ખાતે વીરાંજલિ કાર્યક્રમ ઉજવાય છે.

આ વરસે પણ સાંઈરામ દવે લેખિત અને અભિનિત ‘વીરાંજલિ' મલ્‍ટીમીડિયા શોનો બીજો ભાગ આશરે સો થી વધુ રંગભૂમિના કલાકારો દ્વારા સાણંદ ખાતે ઉજવાશે. આ કાર્યક્રમમાં ભગતસિંઘના ભત્રીજા કિરણજીતસિંહ (ચંદીગઢ) સુખદેવજીના ભત્રીજા અનુજ થાપર (સોનાપત) તેમજ રાજગુરુજીના સ્‍વજન સત્‍યશીલ રાજગુરુ, દુર્ગાભાભીના ભત્રીજા જગદીશ નારાયણ ભટ્ટ તેમજ વીર વિનોદ કિનારીવાલાના પરિજનો પણ અતિથિ વિશેષ તરીકે વીરાંજલિ નિહાળવા માટે ખાસ ઉપસ્‍થિત રહેશે. વીરાંજલિમાં આ વરસે આ ત્રણ શહીદો ઉપરાંત બિહારના ક્રાંતિવીર બાબુ કુવરસિંહ, વીર સાવરકર તેમજ આઝાદ હિન્‍દ ફોજની કેપ્‍ટન નિરા આર્ય તથા વીર વિનોદ કિનારીવાલાના પરાક્રમના દિલ ધડક દ્રશ્‍યો મંચ પર ભજવાશે.

અત્રે નોંધનીય છે કે, વીરાંજલિ એ ક્રાંતિવીરો પરનો ગુજરાતનો સર્વપ્રથમ મલ્‍ટીમીડિયા શો છે જેની સંકલ્‍પના અમિત દવે એ કરી છે. જેમાં બોલીવુડ સીંગર નકાશ અઝીઝ, હિમાની કપૂર, કીર્તિદાન ગઢવી, પાર્થિવ ગોહિલ તેમજ સાંઈરામ દવે એ કર્ણપ્રિય દેશભક્‍તિના ગીતો ગાયા છે. રાહુલ મુંજારીયાએ સંગીત પીરસ્‍યું છે તો જામનગરના વિરલ રાચ્‍છે જેનું ભાવવાહી દિગ્‍દર્શન કર્યું છે. કુલદીપ શુક્‍લ એ આ કાર્યક્રમમાં કોરિયોગ્રાફી કરી છે. વિશેષ રૂપે રાજકોટના ૬૦ જેટલા રંગભૂમિના કલાકારો એ આ વીરાંજલિમાં અભિનયના ઓજસ પાથરવાના છે જેમાં મુખ્‍યત્‍વે આર.જે. આકાશ (ભગતસિંહ), દર્શક સુરડીયા (સુખદેવ), ભાવિન મહેતા(રાજગુરુ) દર્પણ સોની (સાવરકર) ભરત બાયલ (કુંવરસિંહ) તથા પ્રીશા રાજપુત (નીરા આર્ય), મિશૈલ ત્રિવેદી (કિનારીવાલા)નું પાત્ર ભજવશે.

વતનના વિસરાયેલા વીરોની વાતને હૃદયસ્‍પર્શી રીતે રજૂ કરતો આ કાર્યક્રમ સાણંદ ખાતે તદ્દન નિઃશુલ્‍ક રીતે ઉજવાશે. વીરાંજલિ સમિતિ વતી તેમજ સોશ્‍યલ મીડિયા પર લાઇવ નિહાળવા માટે પ્રદિપસિંહ વાઘેલાએ સૌને નિમંત્રણ પાઠવેલ છે.

(3:00 PM IST)