<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

એમેઝોનની મોટા પાયે છટણીની તૈયારી, 14000 મેનેજરની નોકરી પર લટકતી તલવાર!

ઓછા મેનેજરો હોવાથી બિનજરૂરી ઓર્ગેનાઇજેશનલ લેયર્સ દૂર થશે અને કંપનીના ગ્રોથમાં મદદ મળશે.

ઈ-કોમર્સ કંપની એમેઝોન 2025 ની શરૂઆત સુધીમાં લગભગ 14,000 મેનેજર પદોને દૂર કરવાની યોજના બનાવી રહી છે, જેથી કંપની વાર્ષિક 2.1 બિલિયનથી 3.6 બિલિયન ડોલર બચાવી શકે. વિશ્વભરમાં કંપનીની ઓફિસોમાં મેનેજમેન્ટ વર્કફોર્સમાં 13 ટકાનો ઘટાડો કર્યા પછી મેનેજરોની સંખ્યા 105770 થી ઘટીને 91,936 થઈ જશે. ઓછા મેનેજરો હોવાથી બિનજરૂરી ઓર્ગેનાઇજેશનલ લેયર્સ દૂર થશે અને કંપનીના ગ્રોથમાં મદદ મળશે.

અગાઉ એમેઝોનના કોમ્યુનિકેશન્સ અને સસ્ટેનેબિલિટી યુનિટમાંથી પણ કર્મચારીઓને તાજેતરમાં છૂટા કરવામાં આવ્યા હતા કારણ કે કંપની તેની ટીમોનું પુનર્ગઠન કરીને કામગીરીને સરળ બનાવવા માંગે છે. બિઝનેસ ઇનસાઇડરના જણાવ્યા અનુસાર કંપનીમાં છટણી સીઈઓ એન્ડી જેસીના નિર્દેશ પર કરવામાં આવી રહી છે. આ તેમની કાર્યક્ષમતા વધારવા અને નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવવાની વ્યૂહરચના સાથે સુસંગત છે. જેસીએ વર્ષ 2025 ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં વ્યક્તિગત યોગદાન આપનારાઓ અને મેનેજરોના ગુણોત્તરને ઓછામાં ઓછા 15 ટકા સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યુ છે.


મોર્ગન સ્ટેનલીના એક અહેવાલમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે એમેઝોન આગામી સમયમાં તેના મેનેજમેન્ટ વર્કફોર્સમાં લગભગ 13,834નો ઘટાડો કરી શકે છે. મોર્ગન સ્ટેનલીના મતે એમેઝોનના 7 ટકા કર્મચારીઓ મેનેજમેન્ટ હોદ્દા પર છે. આ દરેકનો ખર્ચ વાર્ષિક બે લાખથી સાડા ત્રણ લાખ ડોલરની વચ્ચે થાય છે.

કંપનીએ તેની ખર્ચ ઘટાડવાની વ્યૂહરચનાના ભાગરૂપે 'બ્યુરોક્રેસી ટિપલાઇન' શરૂ કરી છે. આ અંતર્ગત કર્મચારીઓની બિનકાર્યક્ષમતાઓને ઓળખવામાં આવશે. આ અંગે મેનેજરોને પણ સૂચનાઓ આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર એમેઝોન કહે છે કે કંપનીએ તાજેતરમાં ઘણા મેનેજરો ઉમેર્યા છે અને હવે ફેરફારો કરવાનો સમય આવી ગયો છે. આ અંતર્ગત દરેક ટીમના માળખાની સમીક્ષા કરવામાં આવશે અને કેટલીક રોલ્સ ખતમ કરવામાં આવશે.

 

(7:35 PM IST)