<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

મહિલાની મંજૂરી વિના સરકારી જાહેરાતમાં તેના ફોટાનો ઉપયોગ

૪ રાજ્યો અને કેન્દ્ર સરકારને નોટિસઃએક પરિચિત ફોટોગ્રાફરે તેમની તસવીર ખેંચી અને તેમની મરજી અને સહમતિ વિના જાણકારી શટરસ્ટોક ડોટ કોમ વેબસાઈટ પર અપલોડ કરી દીધી.

મુંબઈ,તા.૧૮

બોમ્બે હાઈકોર્ટે એક મહિલાની તસવીરને તેની મંજૂરી વિના સરકારી જાહેરાતોમાં વ્યાવસાયિક શોષણ અને ગેરકાયદેસર ઉપયોગ કરવાની ટીકા કરી છે. nOices to center 4 states for illegal use of woman pic કોર્ટે આ મામલામાં કેન્દ્ર અને ચાર રાજ્ય સરકારોને નોટિસ ફટકારી છે. નમ્રતા અંકુશ કાવલે નામની મહિલાએ તેના વિરુદ્ધમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં તેમણે કહ્યું હતું કે, એક પરિચિત ફોટોગ્રાફરે તેમની તસવીર ખેંચી અને તેમની મરજી અને સહમતિ વિના જાણકારી શટરસ્ટોક ડોટ કોમ વેબસાઈટ પર અપલોડ કરી દીધી.

મહિલાનો આરોપ છે કે, ત્યારથી આ તસવીર મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને ઓડિશાની રાજ્ય સરકારો અને કેન્દ્રીય ગ્રામિણ વિકાસ મંત્રાલય અને અમુક ખાનગી સંસ્થાઓ દ્વારા તેમની વેબસાઈટો, હોર્ડિંગ્સ અને અન્ય જાહેરાતોમાં ગેરકાયદેસર રીતે આ ફોટો ઉપયોગ થઈ રહ્યો છે.

જસ્ટિસ જીએસ કુલકર્ણી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની બેન્ચે મહિલાની અરજી પર સુનાવણી કરી. દરમિયાન, કોર્ટે કેન્દ્ર, ચાર રાજ્ય સરકારો અને અમેરિકન કંપની શટરસ્ટોક સહિત તમામ પ્રતિવાદીઓને આ કેસમાં સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે. ૧૦ માર્ચના રોજના પોતાના આદેશમાં, હાઈકોર્ટે જણાવ્યું હતું કે અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ ખૂબ જ ગંભીર છે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક યુગ અને સોશિયલ મીડિયાના વર્તમાન સમયમાં અને પ્રથમ દ્રષ્ટિએ તે અરજદારના ફોટોગ્રાફનું વ્યાપારી શોષણ હોય તેવું લાગે છે.

હાઈકોર્ટે ચાર રાજ્યો (મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને ઓડિશા) ની સરકારો અને રોયલ્ટી-મુક્ત સ્ટોક ફોટા (વાણિજ્યિક ઉપયોગ માટે લાઇસન્સ પ્રાપ્ત ફોટોગ્રાફ્સ) જારી કરતી વેબસાઇટના સંચાલક શટરસ્ટોકને નોટિસ ફટકારી છે. આ સાથે, કોર્ટે કોંગ્રેસના તેલંગાણા એકમ, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય અને એક ખાનગી સંસ્થા, ટોટલ ડેન્ટલ કેર પ્રાઇવેટ લિમિટેડને પણ નોટિસ જારી કરી, જેમણે અરજદારની પરવાનગી વિના તેમના ફોટાનો ઉપયોગ કર્યો હતો.

હાઈકોર્ટે તમામ પ્રતિવાદીઓને સોગંદનામા દાખલ કરવાનો નિર્દેશ આપ્યો અને કેસની આગામી સુનાવણી માટે ૨૪ માર્ચની તારીખ નક્કી કરી. કોર્ટે કહ્યું કે આ કેસ વિવિધ રાજકીય પક્ષો અને રાજ્ય સરકારો દ્વારા મહિલાના ફોટોગ્રાફના અનધિકૃત ઉપયોગના ગંભીર મુદ્દાને પ્રકાશિત કરે છે.

મહિલાએ પોતાની અરજીમાં દાવો કર્યો છે કે સરકારો અને ખાનગી સંસ્થાઓ દ્વારા તેના ફોટોગ્રાફનો આવો ગેરકાયદેસર ઉપયોગ તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. અરજદારે કોર્ટ પાસેથી પ્રતિવાદીઓને તેમની વેબસાઇટ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, જાહેરાતો અને પ્રમોશનલ સામગ્રી પર તેના ફોટોગ્રાફનો ઉપયોગ કાયમ માટે બંધ કરવાનો નિર્દેશ માંગ્યો છે.

(7:36 PM IST)