News of Tuesday, 18th March 2025
મધ્યપ્રદેશના શિવપુરીમાં નદીમાં હોડી પલ્ટી જતા ત્રણ બાળકો અને 4 મહિલાઓના મોત :લોકોને બચાવાયા
રાજવાન ગામના 15 લોકો હોડી દ્વારા ડેમની મધ્યમાં આવેલા ટાપુ પર સ્થિત સિદ્ધ બાબા મંદિરમાં દર્શન કરવા અને હોળી રમવા માટે જઈ રહ્યા હતા

મધ્યપ્રદેશના શિવપુરીમાં એક દુ:ખદ અકસ્માત સામે આવ્યો છે, જ્યાં ડેમમાં બોટ ડૂબી જવાથી 7 લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 બાળકો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. બાળકો અને મહિલાઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા, જેના કારણે તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું. અકસ્માત દરમિયાન 8 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, રાજવાન ગામના 15 લોકો મંગળવારે સાંજે લગભગ 5 વાગે હોડી દ્વારા ડેમની મધ્યમાં આવેલા ટાપુ પર સ્થિત સિદ્ધ બાબા મંદિરમાં દર્શન કરવા અને હોળી રમવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન માર્ગમાં અચાનક બોટ અસંતુલિત બનીને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બોટમાં સવાર ઘણા લોકો ડૂબવા લાગ્યા હતા. સ્થાનિક ગ્રામજનોએ તત્પરતા દાખવી આઠ લોકોને બચાવી લીધા હતા.
આ અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગુમ થયેલા લોકોને શોધવા માટે ગોતાખોરોની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત NDRFની ટીમ પણ બચાવ કાર્યમાં લાગેલી છે. શિવપુરીના એસપીએ જણાવ્યું કે બચાવ કાર્ય તેજ કરી દેવામાં આવ્યું છે. ગુમ થયેલા લોકોને વહેલી તકે શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ દુર્ઘટનામાં નાવિક પ્રદીપ લોધીના જણાવ્યા અનુસાર, સૌથી પહેલા બોટમાં સવાર એક મહિલા પાછળના ભાગમાં પાણી ભરતી જોવા મળી હતી. થોડી વાર પછી બોટમાં પાણી ઝડપથી ભરાવા લાગ્યું અને હોડી ડૂબી ગઈ. આ ઘટનાથી વિસ્તારમાં શોક અને ભયનો માહોલ સર્જાયો છે
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
