<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

દિલ્હી દેશનું સૌથી પ્રદૂષિત મહાનગર :જાણો શું છે અન્ય મહાનગરોની હાલત: CSE રિપોર્ટમાં ખુલાસો

-સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના રિપોર્ટમાં દેશના મેટ્રોપોલિટન શહેરોમાં પ્રદૂષણને લઈને મોટો ખુલાસો થયો

નવી દિલ્હી :દિલ્હીએ ફરી એકવાર દેશના સૌથી પ્રદૂષિત મહાનગરનો ખિતાબ જીત્યો છે. 2024-25 (ઓક્ટોબર 1 થી જાન્યુઆરી 31) ના શિયાળા દરમિયાન દિલ્હીમાં PM 2.5 નું સરેરાશ સ્તર 175 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાયું હતું. આ આંકડો અન્ય તમામ મહાનગરો કરતા ઘણો વધારે છે. જોકે, સારા સમાચાર એ છે કે દિલ્હીની હવા ગયા વર્ષના શિયાળાની સરખામણીએ થોડી સારી હતી. તમને જણાવી દઈએ કે 2023-24ના શિયાળામાં આ સ્તર 189 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતું

   પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા, રાજધાની દિલ્હી પછી દેશનું બીજું સૌથી પ્રદૂષિત મહાનગર હતું, જ્યાં 2024-25ના શિયાળા દરમિયાન PM 2.5 નું સરેરાશ સ્તર 65 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાયું હતું. જોકે, આ સ્તર દિલ્હી કરતાં ઘણું નીચું રહ્યું છે.

  સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE)ના આ રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં મુંબઈ, બેંગ્લોર અને કોલકાતામાં પ્રદૂષણમાં ઘટાડો થયો છે, જ્યારે ચેન્નાઈ અને હૈદરાબાદમાં પ્રદૂષણનું સ્તર પહેલા જેવું જ છે.

  2024-25ના શિયાળામાં અન્ય મહાનગરોમાં પ્રદૂષણનું સ્તર (PM 2.5) હૈદરાબાદ: 52 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર મુંબઈ: 50 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર બેંગ્લોર: 37 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર ચેન્નાઈ: 36 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર

  દિલ્હીમાં ભલે ગયા વર્ષની સરખામણીમાં પ્રદૂષણમાં થોડો ઘટાડો થયો હોય, પરંતુ તે હજુ પણ સ્વાસ્થ્યના ધોરણો કરતાં ઘણું ઊંચું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, સ્વસ્થ હવા માટે PM2.5 નું સ્તર 15 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધુ ન હોવું જોઈએ. તેની સરખામણીમાં દિલ્હીનું પ્રદૂષણ સ્તર અગિયાર ગણું વધારે છે.

  નિષ્ણાતોના મતે દિલ્હી અને અન્ય મહાનગરોમાં પ્રદૂષણ ઘટાડવા માટે વિવિધ ઉપાયો પર ધ્યાન આપવું જરૂરી છે. જેમાંથી પ્રથમ એ છે કે વાહનોથી થતા પ્રદૂષણને નિયંત્રિત કરવું જરૂરી છે અને તેમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવું અને જાહેર પરિવહનને મજબૂત બનાવવું સામેલ છે. બીજું, પર્યાવરણને અનુકૂળ ઉદ્યોગો સ્થાપવા પડશે, તેની સાથે ફેક્ટરીઓમાંથી નીકળતા ધુમાડા પર કડક નિયંત્રણ પણ જરૂરી છે. ત્રીજા નંબરમાં પરસળ બાળવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. વાસ્તવમાં, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં મોટા પાયે પરસાળ બાળવામાં આવે છે. છેલ્લે અને સૌથી અગત્યની વાત એ છે કે વૃક્ષો વાવવાની સાથે શહેરોમાં ગ્રીન એરિયા વધારવા પર ભાર મૂકવો ખૂબ જ જરૂરી છે

(12:25 AM IST)