News of Friday, 21st March 2025
તપાસના કારણે નથી થઇ ટ્રાન્સફર : જસ્ટિસ યશવંત વર્મા મામલે સુપ્રિમકોર્ટનું નિવેદન
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે અફવાઓ અને ભ્રામક માહિતી ફેલાવાઈ રહી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે

નવી દિલ્હી. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરે આગની ઘટના દરમિયાન કથિત રીતે મોટી રકમની રોકડ મળી હોવાના સમાચાર બાદ સુપ્રીમ કોર્ટનું નિવેદન આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે આ મામલામાં નિવેદન જારી કરીને કહ્યું છે કે દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્મા સાથે જોડાયેલી ઘટના અંગે ખોટી માહિતી અને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જસ્ટિસ વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ સ્વતંત્ર છે અને કથિત રોકડ વસૂલાતની તપાસ સાથે તેનો કોઈ સંબંધ નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું, "દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાયે 20 માર્ચે સુપ્રીમ કોર્ટની કોલેજિયમની બેઠક પહેલા જ તપાસ શરૂ કરી દીધી હતી. તેઓ આજે જ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્નાને પોતાનો રિપોર્ટ સોંપશે. રિપોર્ટની તપાસ કર્યા પછી, કોર્ટ આગળની જરૂરી કાર્યવાહી કરશે."
ઉલ્લેખનીય છે કે ગુરુવારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની કોલેજિયમ દ્વારા જસ્ટિસ વર્મા સામે તાત્કાલિક પ્રાથમિક તપાસ શરૂ કરવાનો નિર્ણય આ બાબતની ગંભીરતાનો સ્પષ્ટ સંકેત છે. પ્રારંભિક તપાસ શરૂ કરવા ઉપરાંત, કોલેજિયમે જસ્ટિસ વર્માને તેમના વતન અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસેથી જસ્ટિસ વર્માના ઘરેથી મળી આવેલી રોકડ અંગેની ઘટના અંગે પ્રાથમિક રિપોર્ટ પણ માંગશે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
