News of Saturday, 22nd March 2025
આટલો બધો ગુસ્સો? પત્નિએ બચકું ભરીને પતિની જીભ કાપી નાખી
દોઢ મહિના પહેલા જ થયા હતા લગ્ન...રાજસ્થાનમાં ચોંકાવનારી ઘટના

ઝાલાવાડ, તા.૨૨: પતિ-પત્ની વચ્ચે ઝઘડો થવો એ સામાન્ય વાત છે, પરંતુ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના બકાની શહેરમાં કંઈક એવું બન્યું કે જેણે પતિ-પત્નીના સંબંધોની ગરિમા બગાડી નાખી. ઝઘડા દરમિયાન એક પત્નીએ તેના પતિની જીભને દાંતથી બચકું ભરીને કાપી નાખી. પત્નીનો પતિ પ્રત્યેનો ગુસ્સો એટલો બધો હતો કે પતિની જીભ કપાઈને તેના મોઢામાંથી જમીન પર પડી ગઈ. બાદમાં ગુસ્સો શમી જતાં પત્નીને પોતાના કળત્ય પર પસ્તાવો થયો અને તેણે જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો અને પોતાને ઘરના રૂમમાં બંધ કરી દીધી. જ્યારે પરિવારને આ લડાઈની જાણ થઈ ત્યારે તેમણે પત્નીને કોઈક રીતે રૂમમાંથી બહાર કાઢી હતી.
આ અંગે ચૌકી હોસ્પિટલના ઈન્ચાર્જ ભીમ સિંહે જણાવ્યું કે, બકાની નગરના જ્યોતિ નગરમાં રહેતા એક યુવકના લગ્ન લગભગ દોઢ મહિના પહેલા રવીના નામની એક મહિલા સાથે થયા હતા. લગ્ન બાદ રવીનાના પિતા તેને સાસરે છોડી ગયા હતા. દરમિયાન ગુરુવારે રાત્રે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જે બાદ પત્ની રવિનાએ પતિની જીભને દાંતથી બચકું ભરીને કાપી નાખી હતી. ચૌકીના ઈન્ચાર્જે જણાવ્યું કે, ગુરુવારે રાત્રે યુવકને ગંભીર રીતે ઘાયલ હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. સાથે જ બકાની પોલીસે ઇજાગ્રસ્તનું લેખિત નિવેદન લઈને તપાસ શરૂ કરી છે. દરમિયાન પરિવારજનોએ જણાવ્યું હતું કે, ઘટના બાદ રવિનાએ રૂમનો દરવાજો બંધ કરીને તિક્ષ્ણ હથિયાર વડે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનોની સલાહ બાદ સમગ્ર મામલો શાંત પડયો હતો. જો કે ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં રવિનાના પરિવારને ફોન કરીને સમગ્ર મામલાની જાણકારી આપવામાં આવી હતી.(૨૩.૧૪)
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
