News of Monday, 24th March 2025
સરકાર માટે ટોલ ટેક્ષ કમાઉ દીકરોઃ પ વર્ષમાં ૧.૯૩ લાખ કરોડ વસુલ્યા
ટોપ ટેન કમાઉ ટોલ પ્લાઝામાં બે ગુજરાતના, બે રાજસ્થાનના, બે યુપીના છે : જયારે હરિયાણા-પં-બંગાળ-તામિલનાડુ-બિહારના ૧-૧ : વડોદરા-ભરૂચ વચ્ચેનો ટોલ પ્લાઝાની સૌથી વધુ કમાણી : ૨૦૪૩.૮૧ કરોડ કમાઇને આપ્યા

નવી દિલ્હી, તા.૨૪: શું તમે અનુમાન લગાવી શકો છો કે દેશના તમામ હાઇવે પર હાજર બધા ટોલ પ્લાઝા પરથી સરકારે છેલ્લા ૫ વર્ષમાં કેટલો ટોલ વસૂલ્યો હશે? જવાબ છે ૧.૯૩ લાખ કરોડ રૂપિયા. જો આપણે ટોચના ૧૦ ટોલ કલેક્શન પ્લાઝા વિશે વાત કરીએ, તો છેલ્લા ૫ વર્ષનો કલેક્શનનો આંકડો લગભગ ૧૪ હજાર કરોડ રૂપિયા છે. આ આંકડો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય (MoRTH) એ ૨૦ માર્ચે લોકસભામાં આપ્યો છે.
માહિતી અનુસાર, ભરથાણા એ ટોલ પ્લાઝા છે જે દેશમાં સૌથી વધુ ટોલ વસૂલ કરે છે. ગુજરાતમાં NH–48 ના વડોદરા-ભરૂચ સેક્શન પર સ્થિત આ ટોલ પ્લાઝાએ છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં (૨૦૧૯-૨૦ થી ૨૦૨૩-૨૪) ૨,૦૪૩.૮૧ કરોડ રૂપિયાનો ટોલ વસૂલ્યો છે. ફક્ત ૨૦૨૩-૨૪ માં, તેણે સૌથી વધુ રૂ. ૪૭૨.૬૫ કરોડનો ટોલ વસૂલ કર્યો.
ટોલ કમાણીની યાદીમાં બીજા સ્થાને રાજસ્થાનના શાહજહાંપુર ટોલ પ્લાઝા છે. તે NH–48 ના ગુડગાંવ-કોટપુતલી-જયપુર વિભાગ પર સ્થિત છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ડેટા દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં શાહજહાંપુર ટોલ પ્લાઝા પર ૧,૮૮૪.૪૬ કરોડ રૂપિયાનો ટોલ વસૂલવામાં આવ્યો છે.
ત્રીજા નંબરે પશ્ચિમ બંગાળનો જલધુલાગોરી ટોલ પ્લાઝા આવે છે. તેણે ૨૦૧૯-૨૦ થી ૨૦૨૩-૨૪ સુધીના પાંચ વર્ષમાં ૧,૫૩૮.૯૧ કરોડ રૂપિયાનો ટોલ વસૂલ કર્યો. ઉત્તર પ્રદેશના બરાજોધા ટોલ પ્લાઝાએ પાંચ વર્ષમાં રૂ. ૧,૪૮૦.૭૫ કરોડનો ટોલ વસૂલ્યો છે અને તે યાદીમાં ચોથા ક્રમે છે. ટોચના ૧૦ કમાણી કરતા પ્લાઝાની યાદી નીચે મુજબ છેઃ
ભરથાણા (ગુજરાત) (NH–૪૮) - રૂ.૨,૦૪૩.૮૧ કરોડ
શાહજહાંપુર (રાજસ્થાન) (NH-૪૮) - રૂ.૧,૮૮૪.૪૬ કરોડ
જલાધુલાગોરી (પશ્ચિમ બંગાળ) (NH-૧૬) - રૂ.૧,૫૩૮.૯૧ કરોડ
બરાજોદ (ઉત્તર પ્રદેશ) (NH-૧૯) - રૂ.૧,૪૮૦.૭૫ કરોડ
ઘરૌંડા (હરિયાણા) (NH-૪૪) - રૂ.૧,૩૧૪.૩૭ કરોડ
ચોર્યાસી (ગુજરાત) (NH-૪૮) - રૂ.૧,૨૭૨.૫૭ કરોડ
ઠિકરિયા/જયપુર પ્લાઝા (રાજસ્થાન) (NH-૪૮) - રૂ.૧,૧૬૧.૧૯ કરોડ
એલ એન્ડ ટી કળષ્ણગિરી થોપ્પુર (તમિલનાડુ) (એનએચ-૪૪) - રૂ.૧,૧૨૪.૧૮ કરોડ
નવાબગંજ (ઉત્તર પ્રદેશ) (NH-૨૫) - રૂ.૧,૦૯૬.૯૧ કરોડ
સાસારામ (બિહાર) (NH-૨) - રૂ.૧,૦૭૧.૩૬ કરોડ
જો આપણે રાજ્યવાર વાત કરીએ તો, ટોચના ૧૦ કમાણી કરતા ટોલ પ્લાઝાની યાદીમાં, બે પ્લાઝા ગુજરાતના, બે રાજસ્થાનના અને બે ઉત્તર પ્રદેશના છે. જ્યારે એક-એક હરિયાણા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને બિહારનો છે.
આ ૧૦ સૌથી વધુ કમાણી કરતા ટોલ પ્લાઝાએ છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૩,૯૮૮.૫૧ કરોડ રૂપિયાનો ટોલ વસૂલ્યો છે. અહીં ખાસ નોંધનીય બાબત એ છે કે આ ૧૦ પ્લાઝાએ મળીને દેશના કુલ ટોલ કલેક્શનના ૭% થી વધુ ટોલ કલેક્શન એકત્રિત કર્યું છે. સરકારી આંકડા મુજબ, હાલમાં દેશભરમાં કુલ ૧,૦૬૩ ટોલ પ્લાઝા છે. આમાંથી, છેલ્લા પાંચ વર્ષમાં ૪૫૭ ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યા છે.(૨૩.૧૦)
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
