News of Monday, 24th March 2025
જમ્મુના હીરાનગરમાં આતંકીઓ સાથે અથડામણ: ઓપરેશન સન્યાલ ફરી શરૂ: રાતભર બંધ રહેલ ગોળીબાર: આતંકીઓ ભાગી ગયાની આશંકા

જમ્મુ: જમ્મુના હીરાનગરના સન્યાલ વિસ્તારમાં આતંકીઓ સાથેની મુઠભેડ હજી સંપૂર્ણ રીતે ખતમ થઈ નથી, પરંતુ ગઈકાલે સાંજે ૬ વાગ્યાથી ગોળીબારી બંધ થયા બાદ આશંકા ઊભી થઈ છે કે આતંકીઓ ભાગી ગયા હોઈ શકે છે. આજે સવારે સુરક્ષાદળોએ ફરીથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
ગઈકાલે સાંજે ૫ વાગ્યાથી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સન્યાલ ગામ પાસેના જંગલમાં ૪–૫ આતંકીઓને સુરક્ષાદળોએ ઘેરી લીધા હતા. રવિવારે સાંજથી શરૂ થયેલી આ મુઠભેડમાં એક બાળકીને ગોળી વાગતાં તે ઘાયલ થઈ હતી. સાંજે ૬ વાગ્યાથી ગોળીબારી બંધ છે, પરંતુ સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી રાખ્યો છે. સેનાએ આ ઓપરેશનને ‘ઓપરેશન સન્યાલ’ નામ આપ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ની પોલીસ ટીમે ગુપ્ત માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેવી પોલીસ ટીમ વિસ્તારમાં પહોંચી, આતંકીઓએ ભારે ગોળીબાર શરૂ કર્યા, જેના પગલે મુઠભેડ શરૂ થઈ. ઓપરેશનમાં મદદ માટે તાત્કાલિક વધારાનું દળ મોકલવામાં આવ્યું. માનવામાં આવે છે કે આતંકીઓ શનિવારે ખડ્ડના રસ્તે અથવા નવી બનાવેલી ટનલ દ્વારા ઘૂસણખોરી કરીને આવ્યા હતા.
લગભગ અડધો કલાક સુધી ચાલેલી ગોળીબારીમાં કોઈ હતાહતના અહેવાલ નથી. વધારાના દળોની મદદથી ઘેરાબંધી મજબૂત કરવામાં આવી છે. એક ગુપ્ત માહિતીમાં એવું પણ જણાવાયું છે કે શનિવારે ૫–૬આતંકીઓના બે જૂથોએ ઘૂસણખોરી કરી હતી.
રવિવારે સાંજે ૫ વાગ્યે સન્યાલના ઢોલકા નજીક જંગલમાં લાકડાં લેવા ગયેલા એક દંપતીએ સૌથી પહેલાં આતંકીઓને જોયા હતા. આતંકીઓએ તેમને બંધક બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને ત્યાંથી ભાગી નીકળવામાં સફળ રહ્યાં. તેમની સૂચના પર એસઓજીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ઘેરાબંધી જોતાં આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો, જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો. સેના, બીએસએફ અને સીઆરપીએફએ પહોંચીને આખા જંગલને ઘેરી લીધું અને વિસ્તારમાં બ્લેકઆઉટ કરી દેવાયું.
સુરક્ષાદળોએ આજે સવારે ૭ વાગ્યાથી ફરીથી સર્ચ ઓપરેશન તેજ કર્યું છે. હજી સુધી આતંકીઓનો કોઈ પત્તો લાગ્યો નથી, પરંતુ એક અધિકારીએ જણાવ્યું કે જંગલના ગાઢ વિસ્તારને કારણે તપાસમાં સમય લાગી શકે છે. ડ્રોન અને સર્વેલન્સ સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ પહેલી વખત નથી કે હીરાનગર સેક્ટરમાં આતંકીઓ સાથે મુઠભેડ થઈ હોય. આંતરરાષ્ટ્રીય સરહદથી ઘૂસણખોરી કરનારા આતંકીઓ અગાઉ પણ કઠુઆના બિલાવર થઈને કિશ્તવાડ અને કાશ્મીર જવાનો રસ્તો અપનાવતા રહ્યા છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
