તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Monday, 24th March 2025
ટ્રમ્પ સરકારે ૪૧% F-૧ વિઝા અરજીઓ નકારી
અમેરિકામાં અભ્યાસ કરવા જવું હવે વધારે અઘરું

નવી દિલ્હી, તા.૨૪: અમેરિકામાં અભ્યાસ કરવા માટે હજારો વિદ્યાર્થીઓ વિઝા માટે આવેદન આપે છે, પહેલા તો અમેરિકાના વિઝા મેળવવામાં થોડી સરળતા રહેતી હતી, પરંતુ હવે નિયમો બદલાઈ ગયાં છે. અમેરિકામા સત્તા પરિવર્તન થયાં બાદ દરેક ક્ષેત્રના નિયમો બદલાઈ ગયાં છે. અમેરિકા અત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વિઝા રદ કરી રહ્યું છે. આ સંખ્યા પહેલાના વર્ષો કરતા વધી રહી છે. મોટી વાત તો એ છે કે, અમેરિકન સરકારે થોડા દિવસ પહેલા શિક્ષણ વિભાગનું ખાતું જ બંધ કરી નાખ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકાએ ઓક્ટોબર ૨૦૨૩ થી સપ્ટેમ્બર ૨૦૨૪ માં વિદેશી વિદ્યાર્થીઓની ૪૧% F-૧ વિઝા અરજીઓ નકારી કાઢી હતી. ૨૦૨૩-૨૪માં અમેરિકાને F-૧ વિઝા માટે કુલ ૦૬.૭૯ લાખ અરજીઓ મળી હતી, જેમાંથી અમેરિકન સરકારે ૦૨.૭૯ લાખ એટલે કો ૪૧% અરજીઓને નકારી કાઢવામાં આવી હતી. જ્યારે ૨૦૨૨-૨૩માં, કુલ ૦૬.૯૯ લાખ અરજીઓમાંથી ૦૨.૫૩ લાખ અરજીઓ નકારી કાઢવામાં આવી હતી. આ વર્ષે અમેરિકારે વધારે અરજીઓ નકારી હોવાનું સામે આવ્યું છે. જે અમેરિકા ભણવા માટે જવા માંગતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, F-૧ વિઝાએ અમેરિકામાં શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નોન-ઇમિગ્રન્ટ શ્રેણી છે, જ્યારે M-૧ વિઝા વ્યાવસાયિક અને બિન-શૈક્ષણિક કાર્યક્રમોને આવરી લે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં વાર્ષિક જેટલા વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા તેમાં F-૧ વિઝા ૯૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. અમેરિકામાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ F-૧ વિઝા માટે અરજી કરતા હોય છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ૨૦૨૪માં જાન્યઆરીથી લઈને સપ્ટેમ્બર સુધીમાં અમેરિકાએ ૬૪,૦૦૮ ભારતીયોને વિદ્યાર્થી વિઝા આપ્યાં હતાં. જે ૨૦૨૩ની તુલનામાં સંખ્યાં ઘટી હતી. ૨૦૨૧માં ૬૫,૨૩૫ લોકોને વિઝા આપવામાં આવ્યાં હતા, જ્યારે ૨૦૨૨ માં ૯૩,૧૮૧ વિઝા આપવામાં આવેલા હતા. અમેરિકામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓનો નોંધપાત્ર હિસ્સો છે. ૨૦૨૩-૨૪માં યુએસમાં ૩.૩૧ લાખ ભારતીય વિદ્યાર્થીઓ હતા. અત્યારે પણ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરે છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
