<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

યુક્રેન-રશિયા શાંતિ મંત્રણાની આશા વચ્ચે સોનું ઊંચા મથાળેથી પટકાયું: રૂપિયા 91,000ની સપાટી ગુમાવી

જ્વેલર્સ અને સ્ટોકિસ્ટ્સ તરફથી મોટાપાયે વેચવાલીના દબાણ વચ્ચે સોનામાં 700નો ઘટાડો

નવી દિલ્હી :જ્વેલર્સ અને સ્ટોકિસ્ટ્સ તરફથી મોટાપાયે વેચવાલીના દબાણ વચ્ચે આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના ભાવમાં કડાકો બોલાઈ ગયો છે અને ગોલ્ડ રૂપિયા 700 ગગડી 91,000ની સપાટી ગુમાવી 90,550 રહ્યું છે.

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનો અંત આવે તેવી પ્રબળ શક્યતા છે. સાઉદી અરેબિયામાં રવિવારે યુક્રેન અને અમેરિકાના અધિકારીઓ વચ્ચે વાટાઘાટને ધ્યાનમાં રાખી રશિયા-યુક્રેન શાંતિ વાર્તાની નવી આશા બંધાઈ છે. તેને લીધે વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય ચિંતા હળવી થવાની શક્યતા છે. આ સંજોગોમાં સોનામાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી જોવા મળી રહી છે.

દિલ્હી ખાતે 10 ગ્રામદીઠ સોનુ (99.9) રૂપિયા 700 ઘટી રૂપિયા 90,550 રહ્યું હતું. જ્યારે સોનુ (99.5) રૂપિયા 700 તૂટી રૂપિયા 90,100 રહ્યું હતું. જ્યારે ચાંદી કિલોનો ભાવ દિલ્હી ખાતે રૂપિયા 200ના સામાન્ય સુધારા સાથે રૂપિયા 1,00,500 રહી હતી.

દરમિયાન ઔંસદીઠ હાજર સોનાનો ભાવ 0.22 ટકા સુધરી 3,028.90 ડોલર રહ્યું છે. દરમિયાન અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં એકંદરે સ્થિર વલણ રહ્યું છે. અમદાવાદ ખાતે સોનુ (99.9) રૂપિયા 90,800 જ્યારે સ્ટાન્ડર્ડ સોનુ (99.5) રૂપિયા 90,500 રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીનો ભાવ રૂપિયા 98,500 રહ્યો હતો.

(10:34 PM IST)