<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

દેશના જોખમી એરપોર્ટ પર દુર્ઘટના ટળી, ફ્લાઈટ સ્ટડ સાથે અથડાઈ

નાયબ CM-DGPનો આબાદ બચાવઃદિલ્હીથી શિમલા જઈ રહેલી ફ્લાઈટ નંબર ૯૧૮૨૧માં બ્રેકમાં ટેકનીકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે આ સમસ્યા ઉભી થઈ

શીમલા, તા.૨૪

હિમાચલ પ્રદેશ જુબ્બરહટ્ટી એરપોર્ટ પર ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી છે, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીનો આબાદ બચાવ થયો છે. લેન્ડિંગ વખતે ફ્લાઈટ સ્ટડ સાથે અથડાયું હોવાનું તેમજ પાયલટે ઈમરજન્સી બ્રેક મારતા મોટી દુર્ઘટના ટળી હોવાની માહિતી સામે આવી છે.

મળતા અહેવાલો મુજબ, ફ્લાઈટ દિલ્હીથી શિમલા જઈ રહી હતી. આ દરમિયાન પાયલોટે જુબ્બરહટ્ટી એરપોર્ટ પર ફ્લાઈટનું યોગ્ય રીતે લેન્ડિંગ કર્યું ન હતું. જોકે પાયલોટે ઈમરજન્સી બ્રેક મારતા ફ્લાઈટ રન-વે ખતમ થાય તે પહેલા ઉભી રહી ગઈ હતી, ત્યારબાદ ફ્લાઈટમાં લગભગ ૨૦થી ૨૮ મુસાફરો ફસાયા હતા. આ ફ્લાઈટમાં નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી અને ડીજીપી પણ હતા. એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું કે, 'દિલ્હીથી શિમલા જઈ રહેલી ફ્લાઈટ નંબર ૯૧૮૨૧માં બ્રેકમાં ટેકનીકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે આ સમસ્યા ઉભી થઈ.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, 'જુબ્બરહટ્ટી એરપોર્ટનો રન-વે નાનો છે. ફ્લાઈટને રન-વેની વચ્ચે લેન્ડ કરવામાં આવ્યું, જેના કારણે ઈમરજન્સી બ્રેક મારવી પડી. વિમાનમાં લગભગ ૩૦ જેટલા મુસાફરો હતો, જેઓ આ સમસ્યાના કારણે ૨૦થી ૨૫ મિનિટ સુધી ફ્લાઈટમાં ફસાયેલા રહ્યા. આ ઘટનાના કારણે શિમલા ધર્મશાળાની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. બધા મુસાફરો બહાર આવ્યા બાદ ફ્લાઈટમાંથી ખામી સર્જાઈ હોવાની માહિતી મળી. હાલ તમામ મુસાફરો સુરક્ષિત છે.

શિમલાના જુબ્બરહટ્ટી એરપોર્ટ પર રન-વે માત્ર ૧૨૦૦ મીટર લાંબો છે, તેથી જોખમ વધુ રહે છે અને ફ્લાઈટના લેન્ડિંગ વખેત ખૂબ જ સાવધાની રાખવી પડી છે.

બીજી તરફ આજે હવામાન પણ સ્વચ્છ હતું, જોકે રનવે નાનો હોવાથી અને સંભવિત ટેકનીકલ ખામીના કારણે પાયલોટ માટે ફ્લાઈટ સંભાળવી મુશ્કેલ થઈ ગઈ હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે જુબ્બરહટ્ટી એરપોર્ટના વિસ્તરણ માટે એક યોજના તૈયાર કરી છે. પ્રસ્તાવિત યોજના હેઠળ રનવેને ૧૫૦૦ મીટર લંબાવવામાં આવશે, જેથી અહીં ૪૨ સીટરને બદલે ૭૨ સીટર એરક્રાફ્ટ ઉતરી શકશે.

(9:56 PM IST)