<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

વિદ્યાર્થીઓનો આત્મહત્યા ખેડૂતોના આત્મહત્યા દર કરતા વધુ : IIT-દિલ્હી આત્મહત્યા કેસમાં સુપ્રિમકોર્ટની કાર્યવાહી

સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને IIT-દિલ્હીના બે SC/ST વિદ્યાર્થીઓની આત્મહત્યાના મામલામાં FIR નોંધવા અને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી પોલીસને IIT-દિલ્હીના બે SC/ST વિદ્યાર્થીઓની આત્મહત્યાના મામલામાં FIR નોંધવા અને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે ડેપ્યુટી કમિશનરને એફઆઈઆર નોંધવા અને આ મામલાની તપાસ માટે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ રેન્કના અધિકારીની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો છે. બેન્ચે કહ્યું, "આ વિષય પર અમારે વધુ કંઈ કહેવાની જરૂર નથી કારણ કે કોઈપણ ગુનાની તપાસ પોલીસના અધિકારક્ષેત્રમાં આવે છે." કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓનો આત્મહત્યા દર કૃષિ સંકટનો સામનો કરી રહેલા ખેડૂતોના આત્મહત્યા દર કરતા વધારે થઈ ગયો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવાની જવાબદારી દરેક શૈક્ષણિક સંસ્થાના વહીવટીતંત્રના ખભા પર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું "તેથી, કેમ્પસમાં આત્મહત્યા જેવી કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને તો, યોગ્ય વહીવટીતંત્રની સ્પષ્ટ ફરજ બને છે કે તે તાત્કાલિક FIR નોંધાવે." બેન્ચે કહ્યું "આવી કાર્યવાહી માત્ર કાનૂની જવાબદારી જ નથી પણ પારદર્શિતા, જવાબદારી અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે નૈતિક આવશ્યકતા પણ છે." આ ઉપરાંત, પોલીસ અધિકારીઓની ફરજ છે કે તેઓ કોઈપણ વિલંબ કે ઇનકાર વિના FIR નોંધીને તાત્કાલિક અને જવાબદારીપૂર્વક કાર્ય કરે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી દુર્ઘટનાઓ ફરીથી ન બને અને સામાજિક સંસ્થાઓમાં વિશ્વાસ જાળવી રાખવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા આ જવાબદારીઓનું યોગ્ય રીતે નિભાવવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓને દૂર કરવા અને આત્મહત્યા અટકાવવા માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ આ દળનું નેતૃત્વ કરશે. સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું, "અમે બધા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને તેમના રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં સંયુક્ત સચિવ સ્તરના અધિકારીને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવાનો નિર્દેશ આપીએ છીએ...".

આ નિર્ણય બે મૃત વિદ્યાર્થીઓના માતા-પિતાની અપીલ પર આવ્યો છે. આ માતા-પિતાએ દિલ્હી હાઈકોર્ટના તે આદેશ સામે અપીલ દાખલ કરી હતી જેમાં કેસમાં FIR નોંધવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જુલાઈ 2023 માં બી.ટેકનો વિદ્યાર્થી આયુષ આશ્ના તેના હોસ્ટેલના રૂમમાં લટકતો મળી આવ્યો હતો. ત્યારબાદ, 1 સપ્ટેમ્બર, 2023 ના રોજ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના રહેવાસી અને બી.ટેકના વિદ્યાર્થી અનિલ કુમાર (21) સંસ્થાના હોસ્ટેલ રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. કુમારે 2019 માં IIT માં પ્રવેશ મેળવ્યો. ફરિયાદોમાં તેમના મૃત્યુને આત્મહત્યા નહીં પણ કાવતરાના પરિણામે હત્યા તરીકે વર્ણવવામાં આવ્યા હતા, અને IIT ફેકલ્ટી અને સ્ટાફ દ્વારા જાતિ ભેદભાવનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો

(11:17 PM IST)