News of Tuesday, 25th March 2025
હિન્દુસ્તાની ભાઉએ ફરાહ ખાન વિરુદ્ધ FIRની કરી માંગણી, આ મામલે પહોંચ્યા બોમ્બે હાઈકોર્ટ
બોલિવૂડની પ્રખ્યાત દિગ્દર્શક-કોરિયોગ્રાફર ફરાહ ખાને હોળી વિશે કરેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણી સબબ હિન્દુસ્તાની ભાઉએ FIR નોંધાવવાની કરી છે માંગ અને ફરાહ ખાન વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પણ કરી અરજી

તા.25 માર્ચ 2025: હિન્દુસ્તાની ભાઉ ફરાહ ખાન વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં ગયા છે. બોલિવૂડની પ્રખ્યાત દિગ્દર્શક અને કોરિયોગ્રાફર ફરાહ ખાન હાલમાં 'સેલિબ્રિટી માસ્ટરશેફ'માં જજ તરીકે જોવા મળી રહી છે. ફરાહ ખાન તેની સ્ટાઇલ માટે જાણીતી છે. અને 'સેલિબ્રિટી માસ્ટરશેફ'માં પણ, તે પોતાની રીતે હેડલાઇન્સ મેળવવામાં કોઈ કસર છોડતી નથી. પરંતુ થોડા સમય પહેલા, હોળીના ખાસ એપિસોડમાં, ફરાહ ખાને હોળીને 'છપરીઓનો પ્રિય તહેવાર' ગણાવ્યો હતો. આ બાબતે ફરાહ ખાનને ભારે ટ્રોલ કરવામાં આવી હતી, અને તેજિન્દર પાલ સિંહ બગ્ગા સહિત ઘણા પ્રખ્યાત સ્ટાર્સે પણ ફરાહ ખાન સામે કાર્યવાહીની માંગ કરી હતી. હવે 'બિગ બોસ ૧૩' ફેમ હિન્દુસ્તાની ભાઉએ પણ ફરાહ ખાન વિરુદ્ધ FIR નોંધાવવાની માંગ કરી છે અને તેમણે આ મામલે બોમ્બે હાઈકોર્ટનો પણ સંપર્ક કર્યો છે.
હિન્દુસ્તાની ભાઉ દ્વારા ફરાહ ખાન વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 'ઓમ શાંતિ ઓમ'ના દિગ્દર્શકે 'સેલિબ્રિટી માસ્ટરશેફ'ના એક એપિસોડમાં હિન્દુ તહેવાર હોળી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. હિન્દુસ્તાની ભાઉના મતે, તેમણે આ મામલે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે ફરાહ ખાન સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. અરજીમાં હિન્દુસ્તાની ભાઉએ કહ્યું હતું કે ફરાહ ખાને 20 ફેબ્રુઆરીના એપિસોડમાં હોળીને 'છપરીઓનો પ્રિય તહેવાર' ગણાવ્યો હતો. જ્યારે છપરી શબ્દનો અર્થ નકારાત્મક છે, જેમાં સંસ્કૃતિ અને સામાજિક મોભાનો અભાવ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
હિન્દુસ્તાની ભાઉ કહે છે કે ફરાહ ખાને હોળી પર જાહેરમાં અભદ્ર ટિપ્પણી કરી હતી, જેનાથી હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે જે સાંપ્રદાયિક મુદ્દાઓને ભડકાવી શકે છે.આપને જણાવી દઈએ કે હિન્દુસ્તાની ભાઉએ 21 ફેબ્રુઆરીએ ખાર પોલીસ સ્ટેશનમાં FIR માટે અરજી દાખલ કરી હતી. આ સાથે તેમણે ડેપ્યુટી કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનર સાથે પણ વાત કરી હતી. પરંતુ આ પછી પણ ફરાહ ખાન સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને FIR પણ દાખલ કરવામાં આવી ન હતી.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
