News of Tuesday, 25th March 2025
1 એપ્રિલ, 2025થી GSTમાં નવો ISD નિયમ, LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર અને TDS અને TCS માટે નવા નિયમોમાં બદલાવ
નવા ટેક્સ નિયમો મધ્યમ વર્ગ અને કામકાજી લોકો માટે ફાયદાકારક સાબિત થશે, ટેક્સ સ્લેબમાં થયેલા ફેરફારને કારણે ટેક્સની રકમ ઘટી શકે છે

નવી દિલ્હી તા.૨૫ :
1 એપ્રિલ, 2025થી અનેક મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ નિયમોમાં થવા જઈ રહેલા બદલાવ તમારા ખિસ્સા પર અસર કરી શકે છે. આમાં GSTમાં નવો ISD નિયમ, LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર અને TDS અને TCS માટે નવા નિયમોમાં બદલાવ મુખ્ય છે. આવી સ્થિતિમાં, જાણો 1 એપ્રિલ, 2025થી કયા નિયમો બદલાવા જઈ રહ્યા છે.
GSTમાં નવો ISD નિયમ
હવેથી કંપનીઓ માટે ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુટર (ISD) સિસ્ટમનો ઉપયોગ કરવો જરૂરી બની જશે. અગાઉ, કંપનીઓ ક્રોસ-ચાર્જ પદ્ધતિનો ઉપયોગ કરતી હતી, પણ હવે ISD અપનાવવું ફરજિયાત રહેશે. ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુટર (ISD) એ એક સિસ્ટમ છે, જે કંપનીની શાખાઓને ટેક્સ ક્રેડિટ ફાળવે છે. આ ક્રેડિટ કંપનીની શાખાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી વિવિધ સેવાઓ પર આપવામાં આવે છે. જો કંપનીઓ આ નવા નિયમનું પાલન નહીં કરે, તો તેમની પર વધારાનો ટેક્સ લાગી શકે છે, જેનો સીધો અસર વસ્તુઓ અને સેવાઓની કિંમત પર પડશે, અને તે મોંઘી થઈ શકે.
LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર (LPG Cylinder Price)
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહીનાની પ્રથમ તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે. 1 એપ્રિલ, 2025ના રોજ પણ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે. આ નવા દર સામાન્ય જનતાના ખિસ્સા પર કેટલી અસર કરશે તે જોવાનું રહેશે.
આવકવેરામાં રાહત
નવા ટેક્સ નિયમો મધ્યમ વર્ગ અને કામકાજી લોકો માટે ફાયદાકારક સાબિત થશે. ટેક્સ સ્લેબમાં થયેલા ફેરફારને કારણે ટેક્સની રકમ ઘટી શકે છે, જેનાથી લોકોના હાથમાં વધુ બચત રહેશે. આ વધારાની બચતને ખર્ચ અથવા રોકાણ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય.
ATFના ભાવમાં ફેરફાર
દર મહીનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં સુધારો કરવામાં આવે છે. 1 એપ્રિલ, 2025થી ઉડ્ડયન ઇંધણના ભાવમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે. જો કિંમતો ઘટે, તો એરલાઇન કંપનીઓ ભાડામાં રાહત આપી શકે, જ્યારે ભાવ વધારો મુસાફરો માટે હવાઈ ટિકિટ મોંઘી બનાવી શકે.
TDS અને TCS માટે નવા નિયમો
ટેક્સ કપાત (TDS) અને ટેક્સ વસૂલાત (TCS) સંબંધિત નિયમો વધુ કડક બનશે. વિશેષ કરીને મોટા ખર્ચ પર વધુ ટેક્સ કપાત થઈ શકે છે. સાથે જ, બેંક વ્યાજ દરો અથવા ફી બદલાઈ શકે છે, જેના કારણે લોનના EMI વધવાની શક્યતા છે. લોન લેનારાઓ માટે ખર્ચ વધશે, જ્યારે બચતકર્તાઓ માટે વધુ વ્યાજનો લાભ મળી શકે.
એપ્રિલમાં 15 દિવસ બેંકો રહેશે બંધ
એપ્રિલ મહિનામાં 15 દિવસ માટે બેંકો બંધ રહેશે. જો તમારે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવું હોય, તો RBIની બેંક રજાઓની યાદી તપાસ્યા બાદ જ યોજના બનાવવી શ્રેષ્ઠ રહેશે. RBIની સૂચિ મુજબ, રામ નવમી (Ram Navmi 2025) અને ગુડ ફ્રાઈડે સહિતના તહેવારોને કારણે બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત, બીજા અને ચોથા શનિવાર તથા રવિવાર જેવી સાપ્તાહિક રજાઓ પણ આમાં સામેલ છે. જો કે, બેંકમાં રજા હોવા છતાં, ઓનલાઈન બેંકિંગ અને ATM સેવાઓ 24×7 ઉપલબ્ધ રહેશે, જેના દ્વારા તમે પૈસાની લેવડદેવડ અને અન્ય બેંકિંગ કામ સરળતાથી કરી શકો છો.
GST દરોમાં ફેરફાર
કેટલીક ચીજવસ્તુઓ પર GST દર વધશે અને કેટલીક પર ઘટશે. આવશ્યક ચીજવસ્તુઓ સસ્તી થવાની સંભાવના છે, જ્યારે લક્ઝરી વસ્તુઓ વધુ મોંઘી બની શકે. આ બદલાવનો સીધો અસર રોજિંદા જીવન પર પડશે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
