News of Tuesday, 25th March 2025
ડેટા પ્રભુત્વ! બિલ ગેટ્સ ભારતમાં ડેટા સેન્ટર માટે કરશે અબજો ડોલરનું રોકાણ: માઈક્રોસોફ્ટ મહારાષ્ટ્રમાં ડેટા સેન્ટર સ્થાપશે, નવી સરકારી નીતિ અને બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ થશે

મુંબઈ: ટેક્નોલોજી જગતના દિગ્ગજ અને માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ ભારતમાં ડેટા સેન્ટરના વ્યવસાયમાં મોટું રોકાણ કરવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માઈક્રોસોફ્ટ મહારાષ્ટ્રમાં અબજો ડોલરના ખર્ચે ડેટા સેન્ટર સ્થાપવાની યોજના ધરાવે છે. આ પગલું ભારત સરકારની નવી ડેટા લોકલાઈઝેશન નીતિને કારણે શક્ય બન્યું છે, જેના હેઠળ દેશનો ડેટા દેશમાં જ સંગ્રહિત રાખવાનો નિર્ણય લેવાયો છે.
સૂત્રોનું માનીએ તો, માઈક્રોસોફ્ટ સરકારી ડેટાનું સંચાલન કરવા માટે તેમની અદ્યતન બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. આ ઉપરાંત, માઈક્રોસોફ્ટની એઝ્યુર ટેક્નોલોજી દ્વારા ડેટાને વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે સંભાળવામાં આવશે. આ યોજના ભારતમાં ડેટા મેનેજમેન્ટના ક્ષેત્રે એક નવા યુગની શરૂઆત કરી શકે છે.
તાજેતરના સમાચારો અનુસાર, બિલ ગેટ્સે ૨૦ માર્ચ, ૨૦૨૫ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુંબઈમાં મુલાકાત કરી હતી. આ બેઠકમાં ડિજિટલ પ્લેટફોર્મ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એ આઈ) અને મહારાષ્ટ્રના આરોગ્ય તથા કૃષિ ક્ષેત્રમાં સહયોગની ચર્ચા થઈ. ગેટ્સે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, તેઓ મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને એઆઈ આધારિત ઉકેલો અને ડિજિટલ પહેલો પર કામ કરવા આતુર છે. ઉપરાંત, ગેટ્સ ફાઉન્ડેશન મહારાષ્ટ્રને મેલેરિયા-મુક્ત બનાવવા માટે પણ સહયોગ કરશે.
મોદી સરકારની ડેટા લોકલાઈઝેશન નીતિને કારણે વિશ્વની મોટી ટેક કંપનીઓ ભારત તરફ આકર્ષાઈ રહી છે. માઈક્રોસોફ્ટનું આ રોકાણ ભારતને ડેટા મેનેજમેન્ટ અને ટેક્નોલોજીનું હબ બનાવવાની દિશામાં મહત્વનું પગલું ગણાય છે. સાથે જ, મહારાષ્ટ્ર સરકારે પણ ડિજિટલ ગવર્નન્સ અને એ આઈ તાલીમ જેવા ક્ષેત્રોમાં માઈક્રોસોફ્ટ સાથે સહભાગિતાની યોજના જાહેર કરી છે.
આ રોકાણ સાથે ભારતમાં રોજગારીની તકો વધશે અને ટેક્નોલોજીના ક્ષેત્રે નવી ક્રાંતિ આવશે. નિષ્ણાતોનું માનવું છે કે, આ પગલું ભારતને વૈશ્વિક ડેટા અર્થતંત્રમાં મજબૂત સ્થાન અપાવશે. હવે બધાની નજર બિલ ગેટ્સની આગામી જાહેરાત પર ટકેલી છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
