<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

છત્તીસગઢના દંતેવાડામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ : 25 લાખના ઈનામી નક્સલી સહિત 3 માર્યા ગયા

ઘટનાસ્થળેથી INSAS રાઇફલ, 303 રાઇફલ અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કરાયો

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં મંગળવારે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓ માર્યા ગયા. આમાં માઓવાદી સુધીર ઉર્ફે સુધાકર ઉર્ફે મુરલીનો સમાવેશ થાય છે, જેના પર 25 લાખ રૂપિયાનું ઇનામ હતું. આ સાથે ઘટનાસ્થળેથી INSAS રાઇફલ, 303 રાઇફલ અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

પોલીસ અધિક્ષક ગૌરવ રાયે જણાવ્યું હતું કે દાંતેવાડા અને બીજાપુર જિલ્લાની સરહદ પર સ્થિત ગીદમ પોલીસ સ્ટેશન વિસ્તારના ગિરસાપારા, નેલગોડા, બોડગા અને ઇકેલીના સરહદી વિસ્તારોમાં નક્સલીઓની હાજરી અંગે માહિતી મળી હતી. આ પછી DRG અને બસ્તર ફાઇટર્સની ટીમ માઓવાદી વિરોધી કામગીરી પર ગઈ. સુરક્ષા દળોને જોતા જ નક્સલીઓએ ગોળીબાર શરૂ કરી દીધો.

આ પછી, જવાબી ગોળીબાર દરમિયાન ત્રણ નક્સલીઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. તેમાંથી એકની ઓળખ સુધીર ઉર્ફે સુધાકર ઉર્ફે મુરલી તરીકે થઈ હતી. જેના માથા પર 25 લાખ રૂપિયાનું ઇનામ હતું. અન્ય બે નક્સલીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ત્રણેયના મૃતદેહ કબજે લેવામાં આવ્યા છે. એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ મળી આવી છે.

(6:45 PM IST)