News of Tuesday, 25th March 2025
"ગાઝામાં ફરી લોહિયાળ હુમલો: ઇઝરાયેલના હવાઈ હુમલાએ ૩૭ નો ભોગ લીધો: સવારથી શરૂ થયેલા હુમલામાં ફરી એકવાર ગાઝાની ધરતી લોહીથી લાલચોળ બની: મૃત્યુઆંક વધશે: ઘણાં લોકો હજુ કાટમાળ નીચે દટાયેલા પડ્યા છે*

ગાઝા સ્ટ્રીપ: આજે સવારથી ઇઝરાયેલે ગાઝા સ્ટ્રીપ પર કરેલા ખતરનાક હવાઈ હુમલાઓમાં ૩૭ નિર્દોષ પેલેસ્ટિનિયનોનો જીવ ગયો છે. મેડિકલ સૂત્રોએ અલ જઝીરાને જણાવ્યું કે આ હુમલાઓમાં મોટાભાગના નાગરિકો નિશાન બન્યા, જેમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. આજે રાતના ૧૧.૧૨ વાગ્યા સુધીના લેટેસ્ટ અપડેટ્સ મુજબ, ગાઝાના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે હુમલાઓમાં મૃત્યુઆંક હજુ વધી શકે છે, કારણ કે ઘણાં લોકો હજુ કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ગાઝામાં બે મહિનાના શાંતિ કરાર પછી ફરી એકવાર તણાવ વધ્યો છે. ઇઝરાયેલે ૧૮ માર્ચથી હુમલાઓ તેજ કર્યા છે અને ત્યારથી અત્યાર સુધીમાં ૭૦૦થી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા છે, જેમાં ૪૦૦થી વધુ મહિલાઓ અને બાળકો સામેલ છે. આજના હુમલામાં પણ ઘણાં નિર્દોષ લોકો ઘરમાં સૂતા હતા ત્યારે બોમ્બમારાથી તેમની જિંદગી છીનવાઈ ગઈ.
લેટેસ્ટ વિગતો:
અલ જઝીરાના પત્રકાર હની મહમૂદના જણાવ્યા પ્રમાણે, "આ હુમલાઓમાં મૃતકોની સંખ્યા હવે ઘાયલોની સંખ્યા કરતાં વધી ગઈ છે, જે ખૂબ ચિંતાજનક છે. ગાઝાની હોસ્પિટલોમાં સ્થિતિ કફોડી બની છે અને ત્રણ અઠવાડિયાથી માનવીય સહાયના ટ્રકો પ્રવેશી શક્યા નથી." યુએનઆરડબલ્યુએ જણાવ્યું કે તાજેતરના દિવસોમાં ૧,૨૪,૦૦૦ લોકો ગાઝામાં વિસ્થાપિત થયા છે, જેમની પાસે ન તો આશ્રય છે, ન સલામતી, ન ખાવાનું.
પ્રતિક્રિયા:
હમાસે આ હુમલાને "નિર્દોષો પરનો ખુલ્લો અત્યાચાર" ગણાવીને ઇઝરાયેલને ચીમકી આપી છે, જ્યારે ઇઝરાયેલે કહ્યું કે તેઓ હમાસના આતંકીઓને નિશાન બનાવી રહ્યા છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાય આ હુમલાઓની નિંદા કરી રહ્યું છે અને શાંતિની અપીલ કરી રહ્યું છે.
ગાઝાની આ ધરતી ફરી એકવાર લોહીથી રંગાઈ છે અને દુનિયાની નજર આ માનવીય સંકટ પર ટકી છે. શું આ ખૂનખરાબાનો અંત આવશે? આ પ્રશ્ન હવે દરેકના મનમાં ઘૂંટાઈ રહ્યો છે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
