<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

અમે તને કાપી નાખીશું.' :કુણાલ કામરાને 500 જેટલા ધમકીભર્યા ફોન આવ્યા: જાનથી મારી નાખવાની ધમકી

સ્ટેન્ડ-અપ કોમેડિયનએ કહ્યું કે તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશેની તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માંગશે નહીં

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણીને કારણે હાસ્ય કલાકાર કુણાલ કામરા વિવાદમાં ફસાઈ ગયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેમણે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા માટે વધુ સમય માંગ્યો છે. દરમિયાન કામરાને શિંદેના શિવસેનાના કાર્યકરો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જો સૂત્રોનું માનીએ તો કુણાલ કામરાને ધમકીભર્યા લગભગ 500 જેટલા ફોન કોલ્સ આવ્યા હતા જેમાં લોકોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કેટલાક લોકોએ કામરાને સીધી ધમકી આપતા કહ્યું, 'અમે તને કાપી નાખીશું.'

એકનાથ શિંદે વિરુદ્ધ ટિપ્પણીઓના કેસમાં મુંબઈ પોલીસે કુણાલ કામરાને નોટિસ ફટકારી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે કામરાને તેમની વિરુદ્ધ નોંધાયેલા કેસના સંદર્ભમાં ખાર પોલીસ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, 'અમે કામરાને પ્રાથમિક નોટિસ જારી કરી છે. તેમની સામેના કેસની તપાસ શરૂ થઈ ગઈ છે.''સ્ટેન્ડ-અપ કોમેડિયનએ કહ્યું કે તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશેની તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માંગશે નહીં. તેમણે મુંબઈમાં જ્યાં કોમેડી શોનું રેકોર્ડિંગ થયું હતું ત્યાં થયેલી તોડફોડની પણ ટીકા કરી છે.

રવિવારે શિવસેનાના કાર્યકરોએ મુંબઈના ખાર વિસ્તારમાં આવેલા હેબિટેટ કોમેડી ક્લબમાં તોડફોડ કરી હતી, જ્યાં કુણાલ કામરાના શોનું શૂટિંગ થયું હતું. આ કાર્યક્રમમાં તેમણે દેશદ્રોહી શબ્દનો ઉપયોગ કરીને શિંદે પર કટાક્ષ કર્યો હતો. રવિવારે રાત્રે હોટલ યુનિકોન્ટિનેન્ટલની બહાર મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકરો એકઠા થયા હતા, જ્યાં સંબંધિત ક્લબ આવેલી છે. તેઓએ ક્લબ અને હોટલ પરિસરમાં તોડફોડ કરી હતી. 

હેબિટેટ ક્લબ એ જ સ્થાન છે જ્યાં વિવાદાસ્પદ ઈન્ડિયા ગોટ લેટેન્ટ શોનું શૂટિંગ થયું હતું. એકનાથ શિંદેએ વર્ષ 2022માં તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો. આનો ઉલ્લેખ કરતા કામરાએ પોતાના શોમાં ફિલ્મ 'દિલ તો પાગલ હૈ'ના એક ગીતનો સહારો લીધો હતો.

(12:28 AM IST)