News of Sunday, 30th March 2025
પ્રધાનમંત્રી મોદીએ આજે ‘મન કી બાત’ નાં 120માં એપિસોડમાં ટેક્સટાઈલ કચરાની વૈશ્વિક સમસ્યા પર પ્રકાશ પાડ્યો : ભારતમાં રિસાયક્લિંગ, પાણી સંચય અને યુવાનોના સશક્તિકરણના પ્રયાસોની વિસ્તૃત પ્રશંસા : ‘કેચ ધ રેઈન’ ઝુંબેશને જન આંદોલન બનાવવા કરી અપીલ : જુઓ વિડીયો
વડાપ્રધાન મોદીએ ચૈત્ર નવરાત્રિ, ઉગાડી, ગુડી પડવા, ઈદ, રોંગાલી બિહુ, પોઈલા બૈશાખ અને નવરેહની શુભેચ્છા આપી : પનીપત, બેંગલુરુ અને તિરુપુરના નવતર પ્રયોગોનું ઉદાહરણ આપ્યું : યુવાનોને રજાઓમાં શોખ, સેવા અને ટેકનોલોજી શીખવા પ્રોત્સાહિત કર્યા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, 30 માર્ચ, 2025ના રોજ આકાશવાણી પર પ્રસારિત ‘મન કી બાત’ના 120માં એપિસોડમાં ટેક્સટાઈલ કચરાની વૈશ્વિક ચિંતા પર વિસ્તૃત ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે, વિશ્વભરમાં ટેક્સટાઈલ કચરો એક મોટી સમસ્યા બની ગયો છે, જેમાં ભારત ત્રીજા ક્રમે છે, અને માત્ર 1%થી ઓછો કચરો નવા કપડાંમાં રિસાયકલ થાય છે. પ્રધાનમંત્રી મોદીએ ભારતમાં રિસાયક્લિંગ, સસ્ટેનેબલ ફેશન, પાણી સંચય અને યુવા સશક્તિકરણના પ્રયાસોની વિગતવાર પ્રશંસા કરી. તેમણે ‘કેચ ધ રેઈન’ ઝુંબેશને જન આંદોલન બનાવવા, યુવાનોને ઉનાળાની રજાઓમાં નવું શીખવા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીની અપીલ કરી. આ સાથે, ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક સંરક્ષણ અને સ્થાનિક નવીનતાની વાતો પણ શેર કરી.
ટેક્સટાઈલ કચરાની વૈશ્વિક ચિંતા:
પીએમ મોદીએ કહ્યું કે, ટેક્સટાઈલ કચરો વિશ્વ માટે ગંભીર સમસ્યા છે. ભારતમાં આ કચરાનું પ્રમાણ ત્રીજા ક્રમે છે, પરંતુ 1%થી ઓછો ભાગ જ નવા કપડાંમાં રૂપાંતરિત થાય છે. જૂનાં કપડાં ઝડપથી ફેંકી નવાં ખરીદવાનું વૈશ્વિક વલણ આ સમસ્યાને વધારી રહ્યું છે.
ભારતના રિસાયક્લિંગ પ્રયાસો:
પ્રધાનમંત્રી મોદીએ ભારતના પ્રયાસોની વિગતવાર નોંધ લીધી. હરિયાણાનું પનીપત ટેક્સટાઈલ રિસાયક્લિંગનું વૈશ્વિક હબ બની રહ્યું છે, જ્યાં જૂનાં કપડાંનું પુનઃઉપયોગ મોટા પાયે થાય છે. બેંગલુરુ 50%થી વધુ ટેક્સટાઈલ કચરો એકત્ર કરી ટેક્નોલોજી આધારિત ઉકેલો દ્વારા નવી ઓળખ બનાવી રહ્યું છે. તમિલનાડુનું તિરુપુર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને રિન્યુએબલ એનર્જી દ્વારા કચરાનું સંચાલન કરે છે.
સસ્ટેનેબલ ફેશન અને સ્ટાર્ટઅપ્સ:
PM મોદીએ જણાવ્યું કે, ભારતમાં સ્ટાર્ટઅપ્સ ટેક્સટાઈલ રિકવરી ફેસિલિટી પર કામ કરી રહ્યાં છે. રેગપીકર્સને સશક્ત કરવા અને સસ્ટેનેબલ ફેશનને પ્રોત્સાહન આપવા ઘણી ટીમો સક્રિય છે. જૂનાં કપડાં રિસાયકલ કરી ગરીબોમાં વહેંચાય છે, જ્યારે સજાવટની વસ્તુઓ, હેન્ડબેગ, સ્ટેશનરી અને રમકડાં બનાવવામાં આવે છે. રેન્ટલ પ્લેટફોર્મ્સ દ્વારા ડિઝાઈનર કપડાં ભાડે પણ મળે છે.
પાણી સંચયની સફળતા:
પીએમએ પાણી સંચય પર ભાર મૂકતાં કહ્યું કે, છેલ્લા 7-8 વર્ષમાં 11 અબજ ઘન મીટર પાણીનો સંગ્રહ થયો, જે ગોવિંદ સાગર તળાવ (90 કિ.મી. લાંબું)ની ક્ષમતા કરતાં વધુ છે. ‘કેચ ધ રેઈન’ અને ‘જલ સંચય-જન ભાગીદારી’ અભિયાન માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલે છે. જલ શક્તિ મંત્રાલય અને NGOઓ દ્વારા કૃત્રિમ તળાવો, ચેક ડેમ અને બોરવેલ રિચાર્જનું કામ થઈ રહ્યું છે.
ગડગનું પુનર્જનન:
કર્ણાટકના ગડગમાં ગ્રામજનો અને સામાજિક સંસ્થાઓએ સૂકાયેલા તળાવમાંથી કચરો અને કાદવ સાફ કરી તેને પુનર્જીવિત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ આને ‘કેચ ધ રેઈન’નું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવી, દેશભરમાં આવું જન આંદોલન ઊભું કરવા જણાવ્યું.
યુવાનો માટે પ્રેરણા:
PM મોદીએ ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓને શોખ વિકસાવવા, ટેક કેમ્પમાં ઓપન-સોર્સ સોફ્ટવેર અને એપ ડેવલપમેન્ટ શીખવા તેમજ નાટક, વકૃત્ત્વ અને સેવા પ્રવૃત્તિઓમાં જોડાવા કહ્યું. MY-Bharatના કેલેન્ડરમાં જન ઔષધિ કેન્દ્રોની મુલાકાત, વાઈબ્રન્ટ વિલેજ અને આંબેડકર જયંતી પદયાત્રાનો સમાવેશ છે. #MyHolidays અને #HolidayMemories હેશટેગથી અનુભવ શેર કરવા જણાવ્યું.
ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ:
વડાપ્રધાન મોદીએ ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સમાં દિવ્યાંગ ખેલાડીઓની પ્રશંસા કરી. હરિયાણા, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશે પ્રથમ ત્રણ સ્થાન મેળવ્યાં. 18 રાષ્ટ્રીય રેકોર્ડ બન્યા, જેમાંથી 12 મહિલાઓએ સ્થાપ્યા. આર્મ રેસલર જોબી મેથ્યુના પત્રનો ઉલ્લેખ કરી તેમના હિંમતની સરાહના કરી.
ફિટ ઈન્ડિયા કાર્નિવલની સફળતા:
દિલ્હીમાં પ્રથમ ફિટ ઈન્ડિયા કાર્નિવલમાં 25,000 લોકો જોડાયા, જેનો ઉદ્દેશ ફિટનેસ અને જાગૃતિ હતો. પ્રધાનમંત્રી મોદીએ દરેક વિસ્તારમાં આવા કાર્નિવલ યોજવા MY-Bharatની મદદ લેવા કહ્યું.
સ્થાનિક રમતોનો ઉદય:
PM મોદીએ કલારીપયટ્ટુ, ગટકા અને થાંગ-ટા જેવી સ્થાનિક રમતોની લોકપ્રિયતા નોંધી. રેપર હનુમાનકાઈન્ડના ગીત “Run It Up”માં આનો સમાવેશ થયો છે, જે ભારતીય પરંપરાઓને વૈશ્વિક સ્તરે લઈ ગયો.
વૈશ્વિક ભારતીય સંસ્કૃતિ:
પ્રધાનમંત્રી મોદીએ મોરિશિયસ, ગયાના, ફીજી અને સુરીનામમાં ભારતીય સંસ્કૃતિના સંરક્ષણની વાત કરી. ચૌતાલ, રામાયણ અને ફાગવા ત્યાં ઉજવાય છે. સિંગાપોરની ‘ઈન્ડિયન ફાઈન આર્ટ્સ સોસાયટી’એ 75 વર્ષ પૂર્ણ કર્યાં, જેની ઉજવણીમાં રાષ્ટ્રપતિ થર્મન શન્મુગરત્નમ જોડાયા.
યોગ અને આયુર્વેદનો વૈશ્વિક ક્રેઝ:
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન)ની ગણતરી શરૂ થઈ. આ વખતની થીમ ‘Yoga for One Earth, One Health’ છે. વડાપ્રધાન મોદીએ ચિલીમાં આયુર્વેદની લોકપ્રિયતા અને ‘સોમોસ ઈન્ડિયા’ના યોગ-આયુર્વેદ પ્રચારની નોંધ લીધી.
મહુઆ અને કૃષ્ણ કમળની નવીનતા:
મધ્ય પ્રદેશની ચાર બહેનોએ મહુઆની કૂકીઝ બનાવી લોકપ્રિયતા મેળવી, જ્યારે તેલંગાણામાં બે બહેનો મહુઆની વાનગીઓ બનાવે છે. ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કૃષ્ણ કમળની ખેતી પર્યટકોને આકર્ષે છે તેમ વડાપ્રધાને જણાવ્યું.
ચૈત્ર નવરાત્રિ અને વિવિધ તહેવારો:
વડાપ્રધાન મોદીએ ચૈત્ર નવરાત્રિ, ઉગાડી, ગુડી પડવા, ઈદ, રોંગાલી બિહુ, પોઈલા બૈશાખ અને નવરેહની શુભેચ્છા આપી. તેમણે ભારતની વિવિધતામાં એકતાને વખાણી, દેશભરમાંથી મળેલા સ્થાનિક ભાષામાં શુભેચ્છા સંદેશાઓનો ઉલ્લેખ કર્યો.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
