News of Monday, 31st March 2025
પતિએ પત્નિના વર્જિનિટી ટેસ્ટની માંગ કરી : હાઈકોર્ટે ફટકાર લગાવી
છત્તીસગઢ હાઈકોર્ટે એક પુરુષની પત્નીની શુદ્ધતા પરીક્ષણ કરાવવાની માંગને ફગાવી દીધી : કોર્ટે કહયું કે કોઈપણ મહિલાને શુદ્ધતા પરીક્ષણ કરાવવા માટે દબાણ કરી શકાતું નથી, તે તેના મૂળભૂત અધિકારો અને ગરિમાની વિરૂધ્ધ છે

રાયપુર, તા.૩૧: છત્તીસગઢ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે કોઈપણ મહિલાને વર્જિનિટી ટેસ્ટ કરાવવા માટે દબાણ કરી શકાતું નથી. આમ કરવું એ બંધારણની કલમ ૨૧નું ઉલ્લંઘન છે. આ નિર્ણય જસ્ટિસ અરવિંદ કુમાર વર્માએ એક વ્યક્તિની અરજી પર સુનાવણી કરતી વખતે આપ્યો હતો. તે વ્યક્તિએ તેની પત્નીનો વર્જિનિટી ટેસ્ટ કરાવવાની માંગણી કરી હતી. તે સાબિત કરવા માંગતો હતો કે તેની પત્નીનું કોઈ બીજા સાથે અફેર હતું.
કોર્ટે કહ્યું કે કૌમાર્ય પરીક્ષણની મંજૂરી આપવી એ મહિલાના મૂળભૂત અધિકારો, કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને તેના વ્યક્તિગત ગૌરવની વિરુદ્ધ હશે. આ વ્યક્તિએ ૧૫ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ ફેમિલી કોર્ટના આદેશને પડકાર્યો હતો, જેમાં તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ નપુંસક હતો અને તેણે તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે તે વ્યક્તિને કહ્યું કે તે પોતાની નપુંસકતાના આરોપને ખોટો સાબિત કરવા માટે તબીબી પરીક્ષણ કરાવી શકે છે. કોર્ટે એમ પણ કહ્યું કે તેને તેની પત્નીની કૌમાર્ય પરીક્ષણ કરાવવાની અને તેના પુરાવામાં રહેલી ખામીઓ ભરવાની મંજૂરી આપી શકાતી નથી. આનો ઓર્ડર ૯ જાન્યુઆરીએ આપવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરમાં જ ઉપલબ્ધ કરાયો છે.
હાઈકોર્ટે કહયું કે અરજદારની માંગ ગેરબંધારણીય છે. આ બંધારણના અનુચ્છેદ ૨૧નું ઉલ્લંઘન કરે છે, જેમાં મહિલાઓના ગૌરવના અધિકારનો સમાવેશ થાય છે. કોર્ટે કહ્યું કે કલમ ૨૧ માત્ર જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાની ગેરંટી આપતી નથી પરંતુ ગૌરવ સાથે જીવવાનો અધિકાર પણ આપે છે, જે મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કોઈપણ મહિલાને તેના કૌમાર્ય પરીક્ષણ માટે દબાણ કરી શકાતું નથી.(૨૩.૧૨)ᅠ
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
